મુંબઈ, તા.30 : શિવસેનાના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસ-એનસીપીની મહાવિકાસ આઘાડીની સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન પદ માટે કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે હજુએ ખેંચતાણ ચાલી રહી હોવાનું કહેવાતું હતું પરંતુ વિધાનસભાના અધ્યક્ષ પદ માટે સરકાર તરફથી પટોળેનું નામ આજે જાહેર થતાં જ હવે નાયબ મુખ્ય પ્રધાન પદ એનસીપીને ફાળવાશે એ સ્પષ્ટ થયું છે. પરંતુ પાર્ટીમાં આ પદ માટે જયંત પાટીલ અને અજિત પવાર વચ્ચે ખેંચતાણ ચાલી રહ્યાના અહેવાલો છે. જો કે એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફૂલ પટેલે જણાવ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન પદ કોને અપાશે એનો નિર્ણય પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર લેશે. આ પદ કોને અપાશે એવો સવાલનો જવાબ ટાળતાં પટેલે કહ્યું હતું કે બાવીસ ડિસેમ્બરે વિધાનસભાનું નાગપુર અધિવેશન સંપન્ન થયા બાદ પાર્ટી આ નિર્ણય લેશે. અર્થાત લગભગ એક મહિના સુધી પાર્ટી તરફથી આ નામ જાહેર નહીં કરાય. જયંત પાટીલ પ્રધાન તરીકે શપથ લઇ ચૂક્યા છે પરંતુ અજિત પવારે પ્રધાન પદના શપથ નથી લીધા તેથી હવે આ બાબતે ડિસેમ્બરના અંતે જ નિર્ણય લેવાશે.
એનસીપીમાં નાયબ મુખ્યમંત્રી પદને લઈને જોરદાર ખેચતાણ ચાલી રહી છે. એમ માનવામાં આવે છે કે, દેવેન્દ્ર ફડનવીસ સાથે એકાએક નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર અજીત પવારને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે.