શરદ પવાર, અજિત પવાર, ભુજબળ અને ચવ્હાણ વિરુદ્ધ થયેલા કેસમાં

ઉદ્ધવ ઠાકરે તપાસ આગળ ચલાવશે?
મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેજાહેઠળ નવી શિવસેના, એનસીપી-કૉંગ્રેસની મહાવિકાસ આઘાડી સરકારે સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં છે પરંતુ હવે સહુની નજર આઘાડી સરકારમાં સામેલ એનસીપી-કૉંગ્રેસના નેતાઓ વિરુદ્ધ પેન્ડિંગ કેસ ઉપર છે. આ કેસનો નિકાલ કરી તે નેતાઓને સજા કરવાની હિંમત ઉદ્ધવ ઠાકરે દાખવશે? એવો પ્રશ્ન ચર્ચામાં છે.
એનસીપી પ્રમુખ શરદ પવાર, તેમના ભત્રીજા અજિત પવાર અને બે વર્ષ કારાવાસ ભોગવી જામીન ઉપર બહાર આવેલા છગન ભુજબળ સામે કૉંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણ વિરુદ્ધ વિવિધ કેસ પેન્ડિંગ છે જેની તપાસ એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી), ઇકોનોમિક ઓફેન્સ વિન્ગ (ઈઓડબલ્યુ) તેમ જ સેન્ટ્રલ એજન્સીઓ સીબીઆઈ અને ઈડી દ્વારા તપાસ થઈ રહી છે. એસીબી અને ઈઓડબલ્યુ એ બંને મહારાષ્ટ્ર સરકાર હેઠળ આવતી એજન્સીઓ છે જ્યારે સીબીઆઈ અને ઈડી કેન્દ્ર સરકાર હસ્તક છે અને ગૃહ મંત્રાલયને તે તપાસનો રિપોર્ટ કરે છે.
સિંચાઈ કૌભાંડ
દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્ય પ્રધાનપદ મેળવી 78 કલાકમાં જ નવી સરકારનું પતન કરવા માટે મુખ્ય કારણ ગણાતા શરદ પવારના ભત્રીજા અજિત પવાર 2009થી 2014 દરમિયાન રાજ્યના સિંચાઈ પ્રધાન હતા ત્યારે તેમની વિરુદ્ધ રૂા. 70,000 કરોડનું કૌભાંડ આચરવા બદલ એસીબી દ્વારા તપાસ થઈ રહી છે.
આ કેસમાં અત્યાર સુધીમાં 24 એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં અજિત પવારનો સીધો ઉલ્લેખ નથી છતાં તે સમયના એસીબી ચીફ સંજય બર્વેએ એફિડેવિટ નોંધાવી કહ્યું કે ઇરિગેશન કૉન્ટ્રેક્ટ ફાળવવામાં અજિત પવારની સીધી દરમિયાનગીરી હતી. 2654 કૉન્ટ્રેક્ટસમાંથી માત્ર 212 કૉન્ટ્રેક્ટ્સની તપાસ પૂરી થઈ છે.
આદર્શ કૌભાંડ
દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં 31 માળની ઇમારત સંરક્ષણ વિભાગના કર્મચારીઓ અને યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની પત્નીને ફ્લેટ આપવાના હેતુ સાથે બાંધવામાં આવી હતી પરંતુ તેનો ગેરકાયદે ઉપયોગ રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને લશ્કરના અધિકારીઓએ કર્યો, જેમને ફ્લેટ બજાર ભાવ કરતાં મામૂલી ભાવે આપવામાં આવ્યા હતા.
સીબીઆઈએ આ કેસમાં એફઆઈઆર ફાઇલ કરી, જેમાં 14 નિવૃત્ત અને સેવામાં સામેલ સંરક્ષણ અધિકારીઓ, અમલદારો અને રાજકીય નેતાઓનો સમાવેશ થતો હતો, જેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા અશોક ચવાણનો સમાવેશ થાય છે. આ કૌભાંડમાં તેમનું નામ આવતાં તેમને મુખ્ય પ્રધાનપદેથી દૂર કરવામાં આવ્યા હતા. તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવે ચવાણ વિરુદ્ધ પગલાં લેવા મંજૂરી આપી હતી પરંતુ મુંબઈ વડી અદાલતે 2017માં રાજ્યપાલના આદેશને રદ કર્યો હતો.
સ્ટેટસ અત્યારે એ છે કે સીબીઆઈએ 2012માં આરોપપત્ર (ચાર્જશીટ) ઘડી કાઢયું હતું પરંતુ ખટલો હજી શરૂ થયો નથી.
સીબીઆઈના પગલાં બાદ ઈડીએ ચવાણ સહિત 14 આરોપીઓ વિરુદ્ધ પીએમએલએ હેઠળ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
હવે આ કેસમાં ટૂંક સમયમાં ઈડી દ્વારા પહેલી ચાર્જશીટ નોંધાવાની શક્યતા છે.
મહારાષ્ટ્ર સદન કૌભાંડ
નવી રાજ્ય સરકારમાં પ્રધાન તરીકે શપથ લેનાર એનસીપીના નેતા છગન ભુજબળ જ્યારે 2004-2009 વચ્ચે રાજ્યના પીડબ્લ્યુડી મંત્રાલય સંભાળતા હતા ત્યારી નવી દિલ્હીમાં તેમણે મહારાષ્ટ્ર સદન બાંધવા માટે રાજ્ય સરકારની માલિકીનો વિશાળ પ્લોટ સસ્તા ભાવે ડેવલપરને આપી ભારે મોટી રકમની લાંચ લીધી હોવાના આરોપ હેઠળ એસીબીએ કેસ ફાઇલ કર્યો હતો.
એસીબીએ આ કેસમાં આરોપપત્ર નોંધાવ્યું છે, આરોપ નિશ્ચિત કરવાના બાકી છે.
માર્ચ 2016માં રૂા. 870 કરોડના કૌભાંડમાં ભુજબળની ઈડીએ ધરપકડ કરી અને માર્ચ 2019માં તેમને જામીન મળ્યા હતા. ઈડીએ ચાર્જશીટ દાખલ કરી છે પરંતુ ખટલો હજી શરૂ થયો નથી.
મહારાષ્ટ્ર સ્ટેટ કો-અૉપરેટિવ બૅન્ક સ્કેમ
ગત અૉગસ્ટ મહિનામાં મુંબઈ હાઈ કોર્ટના આદેશના આધારે મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિન્ગે એનસીપી નેતા અજિત પવાર સહિત 70 જણ વિરુદ્ધ 2007થી 2011 દરમિયાન રૂા. 1 હજાર કરોડનું  મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બૅન્ક (એમએસસીબી) કૌભાંડ આચરવા માટે એફઆઈઆર નોંધી હતી.
નેશનલ બૅન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા એમએસસીબીને થયેલી ખોટની તપાસ કર્યા બાદ જણાઈ આવ્યું હતું કે અજિત પવાર અને બૅન્કના તે સમયના ડિરેકટર્સે ધોરણોનો ભંગ કરતાં બૅન્કને રૂા. 1 હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.
અત્યારે એસીબી દ્વારા તપાસ ચાલુ છે. હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. તે પછી એનસીપી પ્રમુખ શરદ પવાર અને અજિત પવાર વિરુદ્ધ આ કેસમાં મની લોન્ડરિંગના આરોપ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer