મુંબઈ, તા.30 (પીટીઆઇ) : કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તેમના સંતાનો રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળેલી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ની સુરક્ષા કેન્દ્ર સરકારે પરત ખેંચી લીધી એ અંગે ચિંતા દર્શાવતા શિવસેનાએ જણાવ્યું હતું કે સુરક્ષાના વિષયે રાજકીય મતભેદો દૂર રાખવા જોઇએ અને કોઇએ અન્ય કોઇના જીવન સાથે રમત ન રમવી જોઇએ.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે કૉંગ્રેસ સાથે હાથ મેળવનારી શિવસેનાએ એવો પ્રશ્ન પણ કર્યો હતો કે કેન્દ્રના ગૃહ મંત્રાલયમાં એવું કોને લાગી રહ્યું છે કે ગાંધી પરિવાર પર હવે સુરક્ષાનું જોખમ નથી. આ સાથે જ શિવસેનાએ એસપીજી કમાન્ડોનું સુરક્ષા ચક્ર ધરાવતી દેશની એક માત્ર વ્યક્તિ એટલે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કૉંગ્રેસના ગાંધી પરિવારને ફરીથી એસપીજી સુરક્ષાના મુદ્દે વિચારવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકારે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ગાંધી પરિવારને મળેલી એસપીજી સુરક્ષા પરત ખેંચીને ઝેડ-પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો.