થાણે-પનવેલ રૂટ પર દોડશે
મુંબઈ, તા. 30 : મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. તેમને તેમની પ્રથમ એસી લોકલ ડિસેમ્બરમાં મળશે. ચેન્નઈની ઇન્ટેગ્રલ કોચ ફેકટરી (આઈએફસી) આ ટ્રેન મંગળવાર સુધીમાં મુંબઈ રવાના કરશે.
આ એસી ટ્રેન ટ્રાન્સ હાર્બર લાઇનમાં ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીના પ્રારંભથી દોડશે. જે થાણે અને પનવેલ વચ્ચે દોડશે એવી વકી છે.
આઈસીએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે એસી ટ્રેનને આખરી ટચ આપી રહ્યા છીએ અને આવતા બે-ત્રણ દિવસમાં તેને મુંબઈ રવાના કરીશું.
આ ટ્રેનની મુંબઈમાં મધ્ય રેલવેના પાટા પર ત્રણ સપ્તાહની ટ્રાયલ ચાલશે. અને બધું સમૂસુતરું પાર પડતાં તે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે.
મધ્ય રેલવે હાલ એસી ટ્રેનના રૂટ નક્કી કરી રહી છે.
દરમિયાન મધ્ય રેલવેને માર્ચ 2020 સુધીમાં છ એસી લોકલ ટ્રેન મળશે. જે મેઇન લાઇનમાં સીએસએમટી-કલ્યાણ વચ્ચે અને હાર્બરમાં સીએસએમટી- પનવેલ સ્ટેશનો વચ્ચે દોડશે.