નિત્યાનંદ આશ્રમ કેસ

બોગસ દસ્તાવેજોથી એનઓસી મેળવવા બાબતે ડીપીએસ સ્કૂલની માન્યતા રદ થશે 
ડીપીએસના કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજુલા શ્રોફ, હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુવા સામે પોલીસ ફરિયાદ થતાં જ ભૂગર્ભમાં!
અમારા પ્રતિનિધિ તરફથી       
અમદાવાદ, તા. 30 : નિત્યાનંદ આશ્રમ કેસમાં નવો વળાંક આવ્યો છે. નિત્યાનંદ આશ્રમને જમીન આપવા મુદ્દે ડીપીએસ સ્કૂલ સામે ચાલતી તપાસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સંચાલક મંજુલા શ્રોફ તેમ જ અન્ય ટ્રસ્ટી મેમ્બર હિતેન વસંત અને સ્કૂલના પૂર્વ આચાર્ય અનિતા દુવા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે, તો બીજી તરફ બોગસ દસ્તાવેજોથી એનઓસી મેળવવા બાબતે ડીપીએસ સ્કૂલની માન્યતા રદ કરવાનો નિર્ણય કરાયો છે. ડીપીએસ સ્કૂલની માન્યતા એપ્રિલ મહિના સુધી જ માન્ય રહેશે. હાલમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય નહીં તે માટે ચાલુ વર્ષની પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલની માન્યતા રદ થશે, જે બાદમાં કોઇ પણ વિદ્યાર્થીને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. 
શિક્ષણ વિભાગે નિત્યાનંદ આશ્રમને જમીન આપવા બદલ ડીપીએસ સામે કરેલી તપાસ બાદ રિપોર્ટ સીબીએસઇને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ડીપીએસ સ્કૂલ દ્વારા  માન્યતા માટે જમીનના ખોટા દસ્તાવેજો તેમ જ ખોટી માહિતી આપવામાં આવી હતી તેમ જ બનાવટી એનઓસી સર્ટિફિકેટ રજૂ કર્યુ હતું. આ રિપોર્ટમાં સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.  સીબીએસઇ પાસેથી મળેલા બનાવટી એનઓસી લેટરની કોપીના આધારે શિક્ષણ વિભાગે ડીપીએસ સામે પોલીસ ફરિયાદ કરી છે. 
નિત્યાનંદ આશ્રમને કેલોરેક્સ ફાઉન્ડેશન વતી ડીપીએસ સ્કૂલે એક રૂપિયાના ટોકન ભાડાથી જમીન આપી હતી. આ મામલે કલેક્ટરે કેલોરેક્સ ફાઉન્ડેશનને નોટિસ આપીને જમીનનો હેતુ ફેર થયાનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે સાત જ દિવસમાં તમામ દસ્તાવેજો રજૂ કરીને જમીન ખાલસા કરવાની નોટિસ પાઠવી છે. બીજી તરફ ગઇકાલે સાંજે શિક્ષણાધિકારી  રાકેશ રાજેન્દ્ર વ્યાસ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જ્યાં પાંચ કલાક સુધી ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે મોડી રાતે 11 વાગ્યે ડીપીએસ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુવા,  કેલોરેક્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી હિતેન વસંત અને ડાયરેકટર મંજુલા શ્રોફ સામે આઇપીસી 467, 468 (બોગસ દસ્તાવેજો બનાવવા), આઇપીસી 471 (દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરવો) તેમ જ 120 બી (પોતાના ઇરાદાને પાર પાડવા માટે કાવતરું ઘડવું)નો ગુનો દાખલ કર્યો હતો. જેમાં મહત્તમ આજીવન કેદની સજાની જોગવાઇ છે.  આ મામલે અમદાવાદ જિલ્લા ડીવાયએસપી  કે ટી કામરિયાએ જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓની સીધી ધરપકડ કરવામાં આવશે.
 સાત વર્ષથી નીચેની સજાની જોગવાઇ હોય તો નોટિસ આપીને પહેલા નિવેદન માટે બોલાવવામાં આવે છે. ગુનો દાખલ થયા બાદ પોલીસ તેમની ધરપકડ કરવા માટે તેમના ઘરે પહોંચી ત્યારે તેઓ ગુમ હતા. આમ આ ત્રણેય ધરપકડથી બચવા ભૂગર્ભમાં જતા રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer