મુંબઈને ક્યારે મળશે ખૂટતા 9000 પોલીસ?

શહેરમાં પોલીસોની 19 ટકા અછત
મુંબઈ, તા. 30 : ગુરુવારે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે નવી મહાવિકાસ આઘાડી સરકાર રાજ્યના વિકાસના માટે ક્યા નવા નિર્ણયો લે છે તે સમય જ બતાવશે. પરંતુ દેશની રાજધાની ગણાતા શહેરમાં 19 ટકા એટલે 9,000 પોલીસોની અછત છે. મુંબઈ શહેર હંમેશા આંતકવાદીઓના નિશાના પર પ્રથમ હોય છે. એટલે શહેરની સુરક્ષા માટે સરકારે પોલીસની ભરતીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો જ પડશે. 
`પ્રજા ફાઉન્ડેશન' ના આંકડા મુજબ, મુંબઈમાં 50,488 પોલીસોની સંખ્યા મંજુર કરવામાં આવી છે. જ્યારે હાલ પોલીસ દળમાં 41,155 પોલીસ જ કાર્યરત છે. એટલે કે 19 ટકા પોલીસોની અછત છે. સૌથી વધુ 41 ટકા પદ આસિસટન્ટ પોલીસ ઈન્સપેક્ટર (એપીઆઈ) ના ખાલી છે. એપીઆઈના પદ માટે 1,041 પોલીસની મંજુરી મળી છે. જ્યારે વર્તમાનમાં ફક્ત 642 એપીઆઈ મુંબઈ પોલીસમાં છે. એ જ રીતે પોલીસ સબ ઈન્સપેક્ટર (પીએસઆઈ)ના પદ માટે મંજુરી મળી હોય તેના કરતા 28 ટકા પદો ખાલી છે. કાયદા મુજબ મુંબઈમાં 3,252 પીએસઆઈ હોવા જોઈએ. જ્યારે હાલ ફક્ત 2,329 પીએસઆઈ કાર્યરત છે. પોલીસ દળમાં 874 ઈન્સપેક્ટર કાર્યરત છે. જ્યારે મંજુર પદોની સંખ્યા 1,044 છે. ગંભીર ગુનાઓની તપાસ પીએસઆઈ, એપીઆઈ અને ઈન્સપેક્ટર કરે છે. એટલે પોલીસ ફોર્સમાં તેમની ખોટ બહુ ચિંતાજનક બાબત છે. 
ટેરર અને અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા કેસોમાં `મકોકા' અને `યુએપીએ' જેવા કડક કાયદા લાગુ પડે છે અને આ કેસોની તપાસની જવાબદારી આસિસટન્ટ કમિશનર અૉફ પોલીસ (એસીપી) અથવા તેમનાથી ઉપરી અધિકારીઓની હોય છે. પરંતુ હાલ એસીપીના પદ પર 35 જગ્યા ખાલી છે અને ડૅપ્યુટી કમિશ્નર અૉફ પોલીસ (ડીસીપી)ના પણ ત્રણ પદ ખાલી છે. ક્રાઈમ સર્વિલેન્સ સૌથી વધુ કરવામાં આવે છે અને જ્યાં હેલ્પલાઈન નંબર દ્વારા સૌથી વધુ ફરિયાદો આવે છે એ પોલીસ કન્ટ્રોલ રૂમમાં 51 ટકા સંખ્યા બળ ઓછું હતું. ફાઉન્ડેશનના અહેવાલ મુજબ, કન્ટ્રોલ રૂમમાં પોલીસની સંખ્યા 267 હોવી જોઈએ. જ્યારે જુલાઈ 2019 સુધીના આંકડાઓ મુજબ કન્ટ્રોલ રૂમમાં ફક્ત 130 પોલીસ કાર્યરત હતા. ક્રાઈમ બ્રાન્ચમાં 41 ટકા પોલીસ ઓછા છે.
સ્પેશિયલ બ્રાંચ-1 માં 23 ટકા, સ્પેશિયલ બ્રાંચ-2 માં 36 ટકા, પ્રોટેક્શન અને સિક્યોરિટી બ્રાંચમાં 34 ટકા, ટ્રાફિક વિભાગમાં 19 ટકા, વાયરલેસ સેક્શનમાં 19 ટકા અને મોટર ટ્રાન્સપોર્ટ યુનિટમાં 13 ટકા પોલીસની અછત છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer