વડોદરામાં દુષ્કર્મના આરોપીઓની માહિતી આપનારને એક લાખનું ઇનામ આપવાની જાહેરાત

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 30 : વડોદરા શહેરના નવલખી મેદાનમાં સામૂહિક દુષ્કર્મની બનેલી ઘટનામાં આરોપીઓની માહિતી આપનારને રૂપિયા 1 લાખના ઇનામની જાહેરાત પોલીસ કમિશનરે કરી છે. આ ઉપરાંત રાત્રે 9 વાગ્યા બાદ દાંડિયા બજાર બ્રિજ ઉપર બેસવા આવતા લોકો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. 
પોલીસ કમિશનર અનુપમાસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે નવલખી મેદાનમાં બનેલી ઘટના ગંભીર છે. પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ 8 ટીમો બનાવવામાં આવી છે અને આરોપીઓની માહિતી આપનારને રૂપિયા એક લાખનું ઇનામ આપવામાં આવશે. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવલખી મેદાન મોટો જંગલ વિસ્તાર છે. જેમાં આવવા જવા માટે 30થી 40 જગ્યાઓ છે. પોલીસ તંત્ર દ્વારા ડ્રોનની મદદથી આઇન્ડેટિફાઈ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓ જે રસ્તા ઉપરથી પસાર થયા હતા. તે રસ્તા ઉપર જ્યાં સીસીટીવી હશે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે રસ્તામાં રહેતા લોકોની પણ આરોપીઓના સ્કેચ બનાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ નવલખી મેદાનમાં ચોક્કસ સ્થળો ઉપર ફ્લડ લાઇટ પણ લગાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. 
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સાંજ પછી નવલખી મેદાનમાં અને દાંડિયા બજાર બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકો બેસવા માટે આવે છે. અગાઉ મેદાનમાં અને બ્રિજ ઉપર રાત્રે 9 વાગ્યા પછી બેસવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ લોકોની રજૂઆત બાદ રાત્રે 11 વાગ્યા સુધી બેસવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બે દિવસ પૂર્વે બનેલી ઘટનાને ધ્યાનમાં લઈ હવે રાત્રે 9 વાગ્યા બાદ નવલખી મેદાનમાં અને બ્રિજ ઉપર કોઇને બેસવા દેવામાં આવશે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer