મહાયુતિને 220થી વધુ બેઠકો મળશે શિવસેના સાથે સુમેળભર્યા સંબંધો હશે દેવેન્દ્ર ફડણવીસ

મહાયુતિને 220થી વધુ બેઠકો મળશે શિવસેના સાથે સુમેળભર્યા સંબંધો હશે દેવેન્દ્ર ફડણવીસ
કુન્દન વ્યાસ તરફથી
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિશ્વાસપૂર્વક કહે છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાની મહાયુતિને ઓછામાં ઓછી 220 બેઠકો મળશે. મહાનગર મુંબઈમાં પણ યુતિના પાંત્રીસથી વધુ ઉમેદવારો વિજયી બનશે. રાજ્યભરમાં ભાજપને 145થી વધુ બેઠકો મળવાની ગણતરી છે. મુખ્ય પ્રધાનને એવો પણ વિશ્વાસ છે કે વીતેલાં પાંચ વર્ષની સરખામણીમાં આગામી પાંચ વર્ષ દરમિયાન યુતિના બન્ને પક્ષો વચ્ચે વધુ `ભાઈ-ચારો' અને શાંતિમય સહકારની ભાવના રહેશે. નવી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનનું પદ શિવસેનાને આપવા બાબત વિચારી શકાય એમ પણ મુખ્ય પ્રધાન કહે છે. આ માટે આદિત્ય ઠાકરેનું નામ ચર્ચાઈ રહ્યું છે.
વિધાનસભાની ચૂંટણીનો રાજ્ય વ્યાપી પ્રવાસ પૂરો કરીને છેલ્લા ચરણમાં બાંદરા કુર્લા કૉમ્પ્લેક્ષ-બીકેસી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સભા ગજાવીને નવી દિલ્હી જવા ઉપડયા તે પછી દેવેન્દ્ર ફડણવીસે આમંત્રેલા સિનિયર પત્રકારો સાથે લગભગ બે કલાક નિરાંતથી ગાળ્યા અને ચૂંટણીનાં સંભવિત પરિણામ, શિવેસના સાથેના સંબંધ, આર્થિક સ્થિતિ બાબત ડૉ. મનમોહન સિંઘનાં નિવેદન અને પીએમસી બૅન્કનાં કૌભાંડ તથા ખાતેદારોને રાહત આપવાનાં પગલાંની માહિતી આપી હતી. વિશેષ તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સુપ્રીમો શરદ પવાર ઉપર થયેલા આક્ષેપ અને ચાલી રહેલી તપાસની વિગતવાર માહિતી આપી હતી.
રાજ્યમાં અને કેન્દ્રમાં એનડીએ સરકારમાં શિવસેના ભાગીદાર હોવા છતાં વીતેલાં પાંચ વર્ષમાં સંબંધમાં તંગદીલી રહી હતી. અલબત્ત, ભાજપના પ્રમુખ અમિતભાઈ શાહે તો મુંબઈમાં પત્રકારો સમક્ષ મક્કમ ઘોષણા-ઠંડાં કલેજે કરી હતી કે ગમે તેટલી ખેંચતાણ-ઉશ્કેરાટ હોય તે છતાં સરકારને આંચ નહીં આવે. હવે નવી સરકારમાં `જવાબદાર ભાગીદારી' હશે એમ દેવેન્દ્ર ફડણવીસના તાણ-મુક્ત ચહેરા ઉપર વાંચી શકાય છે! (આદિત્ય ઠાકરેએ પણ અબખારી મુલાકાતમાં કહ્યું છે કે હિંસા (અર્થાત્ હિંસક ભાષા?)ને સ્થાન નથી). પાંચ વર્ષના ખાટા-કડવા અનુભવ છતાં તમે  શિવસેના સાથે સમજૂતી કેવી રીતે કરી? દેવેન્દ્ર ફડણવીસ કહે છે અમારા પક્ષની નીતિ છે કે એકલા રહીને જીતી શકાય તો પણ સાથી પક્ષોને છોડવા નહીં. આપણી શક્તિનો સંચય કરવો અને સાથીઓની શક્તિ ઉમેરવી. પંજાબમાં પણ અકાલી દળ સાથે સમજૂતી આજ રીતે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer