સોમવારે મતદાન પર સૌની મીટ

સોમવારે મતદાન પર સૌની મીટ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત
મુંબઈ, તા.19 (પીટીઆઇ) : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે નિયમ પ્રમાણે શાંત થયા છે અને હવે સોમવારે મતદાનની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પ્રચાર અભિયાનની ખાસ વાત એ રહી કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકાર ફરીથી ચૂંટાય એ માટે ભાજપે આક્રમક પ્રચાર કર્યો છે અને જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370ને કેન્દ્ર સરકારે હટાવી એ મુખ્ય મુદ્દો હતો. જોકે, વિપક્ષો તરફથી પ્રચારમાં આક્રમકતાનો અભાવ હતો અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની માત્ર ગણીગાંઠી સભાઓ થઇ જેમાં તેમણે દેશમાં આર્થિક મંદી, બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવવા સાથે મોદી સરકારના પહેલા કાર્યકાળના નોટબંધી અને જીએસટીના અમલ જેવા પગલાંની ટીકા કરી હતી.
જોકે, ભાજપ તરફથી માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ સહિત કેન્દ્રના પ્રધાનો પણ પ્રચારમાં જોડાયા હતા અને કલમ 370 હટાવવાનો શ્રેય લેવા ઉપરાંત આ મુદ્દે વિપક્ષોના વિરોધનો મુદ્દો પણ જોરશોરથી ગજાવ્યો હતો. મોદીએ કૉંગ્રેસ-એનસીપીની અગાઉની સરકારોના ભ્રષ્ટાચારના મુદ્દે પણ આક્રમક પ્રચાર કર્યો હતો.
વિપક્ષો તરફથી રાહુલ ગાંધી ઉપરાંત એનસીપીના અધ્યક્ષ શરદ પવારે દેશમાં આર્થિક મંદી અને બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવ્યા હતા, પરંતુ તેમાં ભાજપ જેવી આક્રમકતા અને ઉત્સાહનો અભાવ હતો. આ ચૂંટણી મુખ્યત્ત્વે ભાજપ-શિવસેનાની મહાયુતિ અને કૉંગ્રેસ-એનસીપીની આઘાડી (યુતિ) વચ્ચેનો જંગ છે, ઉપરાંત લોકસભાની સાતારા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન પણ સોમવારે જ છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠક માટે 235 મહિલાઓ સહિત કુલ 3237 ઉમેદવારો મેદાનમાં છે અને સોમવારે મતદાન થશે. રાજ્યમાં કુલ 8,98,39,600 મતદારો છે, જેમાં 4,28,43,635 મહિલા અને 4,68,75,750 પુરુષ મતદારો છે. ખાસ વાત એ છે કે 1,06,76,013 મતદારો 18-25 વય જૂથના છે.
મહાયુતિ પ્રમાણે ભાજપ 164 બેઠક લડી રહી છે જેમાં નાની સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારો પણ ભાજપના કમળના નિશાન સાથે મેદાનમાં છે, જ્યારે શિવસેના તીર કામઠાના નિશાન સાથે 126 બેઠક પર નસીબ અજમાવી રહી છે. આઘાડી તરફથી કૉંગ્રેસ પંજાના નિશાન સાથે 147 બેઠક પર જ્યારે એનસીપી ઘડિયાળના નિશાન સાથે 121 બેઠક લડી રહી છે. અન્ય પાર્ટીઓમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 101, કમ્યુનિસ્ટ પાર્ટી 16, માઓવાદી કમ્યુનિસ્ટ પાર્ટી 8, માયાવતીની બહુજન સમાજ પાર્ટી 262 જ્યારે 1400 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના અધ્યક્ષ શરદ પવારે એકબીજા પર અંગત આક્ષેપો અને કટાક્ષો  પણ કર્યા હતા. વિપક્ષો તરફથી 79 વર્ષના પવારે જાણે સુકાન સંભાળ્યું હોય એમ ઝંઝાવાતી પ્રચાર સભાઓમાં રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ અનેક મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. જોકે, કૉંગ્રેસ અને એનસીપીએ રાજ્યમાં એક પણ સંયુક્ત રૅલી નથી કરી જ્યારે ભાજપ અને શિવસેનાએ શુક્રવારે મુંબઈમાં કરેલી સંયુક્ત રૅલીમાં ભાજપ તરફથી મોદી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એક મંચ પર આવ્યા હતા.
મોદીએ રાજ્યમાં નવ સભાઓ કરી જ્યારે કૉંગ્રેસ તરફથી રાહુલ ગાંધીની છ સભાઓ થઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer