અમિત શાહનો રાહુલ ગાંધીને પડકાર

અમિત શાહનો રાહુલ ગાંધીને પડકાર
હિંમત હોય તો જમ્મુ -કાશ્મીરની 370 કલમ પુન:સ્થાપિત કરી બતાવો
નવાપુર (મહારાષ્ટ્ર), તા. 19 (પીટીઆઈ) : કેન્દ્રના ગૃહપ્રધાન અને ભારતીય જનતા પક્ષના વડા અમિત શાહે આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંકયો હતો કે તમારામાં હિંમત હોય તો જો તમે સત્તામાં આવો તો જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પુન:સ્થાપિત કરી બતાવો.
મહારાષ્ટ્રનાં આદિવાસી જિલ્લા નંદુરબારમાં ચૂંટણી સભાને સંબોધતાં અમિતભાઈએ કહ્યું હતું કે આ વર્ષે મે મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજીવાર જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા એ બાદ પ્રથમ કામ તેમણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમને રદ કરવાનું કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે આ વિશેષ જોગવાઈઓને લીધે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવતું હતું અને 40,000 લોકોનાં મૃત્યુ થયાં હતાં. કાશ્મીરમાં વિકાસ સ્થગિત થઈ ગયો હતો. આમ છતાં કૉંગ્રેસ 370 કલમની જોગવાઈઓ હટાવવામાં માગતી નહોતી. તેને રાષ્ટ્રહિતની નહીં તેની વૉટબૅન્કની ચિંતા હતી.
કોઈ વડા પ્રધાને આ કલમ રદ કરવાની હિંમત કરી નહોતી. પરંતુ 56 ઇંચની છાતીવાળા મોટીએ જ એ કલમ રદ કરી બતાવી, એમ તેમણે કહ્યું હતું.
તેમણે રાહુલ ગાંધીને પૂછયું હતું કે શું તમે કાશ્મીરને ભારતનો એક અવિભાજ્ય અંગ નથી ગણતા?
શાહે કહ્યું હતું કે મોદી સરકારની આદિવાસી વિકાસ નીતિ હેઠળ 115 જિલ્લાઓને આવરી લેવાયા છે, તેમાં નંદુરબારનો પણ સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer