મહારાષ્ટ્રના ચૂંટણીપ્રચારથી સોનિયા ગાંધી-પ્રિયંકા ગાંધી કેમ અળગા રહ્યાં?

મહારાષ્ટ્રના ચૂંટણીપ્રચારથી સોનિયા ગાંધી-પ્રિયંકા ગાંધી કેમ અળગા રહ્યાં?
મુંબઈ, તા. 19 : દેશની આર્થિક રાજધાની જ્યાં આવેલી છે એવા મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીપ્રચારમાં કૉંગ્રેસના સિનિયર નેતાઓની ગેરહાજરી આશ્ચર્ય પમાડે એવી છે. એમાંય પક્ષપ્રમુખ સોનિયા ગાંધી અને ઉત્તર પ્રદેશનો હવાલો સંભાળતાં પ્રિયંકા ગાંધી સમગ્ર પ્રચાર દરમિયાન એક પણ સભા સંબોધી નહોતી. કૉંગ્રેસે સ્ટાર પ્રચારકોની જે યાદી ચૂંટણી પંચને આપી હતી એમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનું નામ પણ સામેલ હતું. સોનિયા ગાંધીએ અૉગસ્ટ 2019માં ફરી પક્ષનું સુકાન હાથમાં લીધા બાદ મહારાષ્ટ્ર અને હરિયાણા પહેલા રાજ્યો છે જ્યાં ચૂંટણી યોજાઈ રહી છે.
શુક્રવારે ચૂંટણીપ્રચાર માટે મુંબઈ આવેલા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધી નાદુરસ્ત તબિયતને કારણે પ્રચાર માટે આવી શક્યાં નથી, જ્યારે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં 11 બેઠકોની પેટાચૂંટણીમાં વ્યસ્ત હતાં.
કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ગુલામ નબી આઝાદ ચૂંટણીપ્રચારથી વેગળા રહ્યા તો મનમોહન સિંઘે માત્ર પક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમ ઉપરાંત પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. જ્યારે ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી બે દિવસ માટે મહારાષ્ટ્ર આવ્યા અને છ સભા સંબોધી હતી.
નવાઈ પમાડે એવી વાત એ છે કે ચૂંટણીપ્રચારની શરૂઆતમાં કૉંગ્રેસે મહારાષ્ટ્ર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જારી કરી હતી, પરંતુ મોટા ભાગના કેન્દ્રીય નેતાઓ પ્રચારથી અળગા રહ્યા કે માત્ર એકાદ-બે દિવસ આવી પ્રચાર કરી ગયા.
પક્ષના સૂત્રએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ બંને રાજ્યો માટે ખાસ આશાવાદી નથી. ઉપરાંત પક્ષમાં ચાલી રહેલા સોનિયા સ્મર્થકો અને રાહુલ ગાંધીના સમર્થકો વચ્ચેના આંતરિક વિખવાદની અસર પણ બંને રાજ્યોના પ્રચાર પણ વર્તાતી હતી.
રાજ્યની નેતાગીરીએ પણ કબૂલ્યું હતું કે હાઈ કમાન્ડે પણ શરદ પવાર પર આધાર રાખ્યો હતો. જ્યારે મોટા ભાગના કૉંગ્રેસી ઉમેદવારો પોતાની રીતે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા.
તો સામા પક્ષે ભગવી યુતિના દિગ્ગજ નેતાઓએ વિવિધ સ્થળોએ સભાઓ ગજબ હતી. ભાજપના સ્ટાર પ્રચારકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓ પ્રચાર માટે આવ્યા હતા. તો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરેએ પ્રચારની ધુરા સંભાળી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer