આરબીઆઈની કચેરી સામે પીએમસીના ખાતાધારકોના દેખાવો

આરબીઆઈની કચેરી સામે પીએમસીના ખાતાધારકોના દેખાવો
બે વરિષ્ઠોની તબિયત લથડી
ખાતાધારકોનો મૃત્યુઆંક થયો પાંચ 
મુંબઈ, તા. 19 : પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-અૉપરેટિવ (પીએમસી) બૅન્કના 6500 કરોડ રૂપિયાના ગોટાળા પ્રકરણે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) એ અંકુશ લાદતા ખાતાધારકોને માથે આભ ફાટી ગયું છે. ત્રસ્ત ખાતાધારકો અને ડિપોઝિટરોએ આજે બપોરે ફોર્ટ વિસ્તારમાં આવેલા આરબીઆઈના મુખ્યમથક સામે બૅનરો લઈને દેખાવો કર્યા હતા. 
આરબીઆઈના અંકુશોથી આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા પીએમસી બૅન્કના અંદાજે 100 જેટલા ખાતાધારકો અને ડિપોઝિટરો આજે બપોરે 11.45 વાગ્યાની આસપાસ આરબીઆઈ સામે ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમ જ વિરોધ દર્શાવતા પાટિયાંઓ દ્વારા રોષ પ્રગટ કર્યો હતો. કોઈ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. દેખાવો દરમિયાન એક વરિષ્ઠ મહિલા અને પુરુષની તબિયત બગડી ગઈ હતી. 
બીજી બાજુ પીએમસી બૅન્કના વધુ એક ખાતાધારકનું મૃત્યુ થયું છે. મુલુંડ કૉલોનીમાં રહેતા વરિષ્ઠ નાગરિક રામ અરોરાનું શનિવારે હદૃયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. અરોરાના કુટુંબીજનોનું કહેવું છે કે, તેમનું મૃત્યુ પીએસમસી બૅન્ક પર લાદવામાં આવેલા અંકુશોને લીધે નથી થયું. ઉંમરને લીધે તેમને કુદરતી મૃત્યુ આવ્યું છે. તેઓ આર્થિક રીતે સજ્જ હતા અને ફક્ત પીએમસી બૅન્કના ખાતા પર આધાર નહોતો એટલે બૅન્ક પર અંકુશ લાદવાને અને તેમનાં મૃત્યુને કોઈ જ સંબંધ નથી. અત્યાર સુધી પીએમસી બૅન્કના પાંચ ખાતાધારકોનાં મૃત્યુ થયાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer