એચડીએફસી બૅન્કનો સપ્ટે. 19 ત્રિમાસિક નફો 27 ટકા વધી રૂા. 6345 કરોડ થયો

એચડીએફસી બૅન્કનો સપ્ટે. 19 ત્રિમાસિક નફો 27 ટકા વધી રૂા. 6345 કરોડ થયો
નવી દિલ્હી, તા. 19 : એચડીએફસી બૅન્કનો સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડએલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 26.8 ટકા વધીને રૂા. 6345 કરોડનો થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા. 5005.73 કરોડનો હતો.
સૂચિત ત્રિમાસિક ગાળામાં વ્યાજની ચોખ્ખી આવક (એનઆઈઆઈ) રૂા. 13,515 કરોડ રહી હતી, જે સપ્ટેમ્બર, 2018ના અંતના ત્રિમાસિક ગાળાના રૂા. 11,763.4 કરોડની સરખામણીએ 14.89 ટકા વધુ છે. જ્યારે વ્યાજનું ચોખ્ખું માર્જિન 4.2 ટકા રહ્યું છે.
વ્યાજ સિવાયની આવક/અન્ય આવક 39.2 ટકા વધીને રૂા. 5588.30 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા. 4015.60 કરોડ હતી. જોગવાઈ અને આકસ્મિક ખર્ચ રૂા. 2700.70 કરોડ હતો, જેમાં ચોક્કસ લોન નુકસાન જોગવાઈ (રૂા. 2038 કરોડ) અને રૂા. 662.70 કરોડની સામાન્ય જોગવાઈ અને અન્ય જોગવાઈનો સમાવેશ છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂા. 1820 કરોડની સરખામણીએ 48 ટકા વધુ છે.
ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) 1.38 ટકા હતી, જે જૂન ત્રિમાસિકમાં 1.40 ટકા હતી, જ્યારે નેટ એનપીએ 0.4 ટકા રહી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer