કમલેશ તિવારીની હત્યાના આરોપી સુરતથી ઝડપાયા

કમલેશ તિવારીની હત્યાના આરોપી સુરતથી ઝડપાયા
લખનઉ, તા. 19 : ઉત્તર પ્રદેશમાં કમલેશ તિવારીની હત્યાનો 24 કલાકમાં ખુલાસો કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસના કહેવા પ્રમાણે હત્યાનું ષડયંત્ર સુરતમાં ઘડાયું હતું. ડીજીપી ઓપી સિંહે કહ્યું હતું કે, આ કેસમાં સામેલ સંદિગ્ધોની પ્રારંભિક પુછપરછમાં સામે આવ્યું છે કે તિવારીની હત્યા પાછળ 2015નું ભડકાઉ ભાષણ છે. ડીજીપીના કહેવા પ્રમાણે સુરતમાં ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીઓની પુછપરછ ચાલી રહી છે. ષડયંત્ર રચનારા આરોપીમાં તિવારીના પરિજનોની ફરીયાદ ઉપરથી મુફ્તી નઈમ કાજમી અને મૌલના અનવારુલ હકને પણ દબોચી લેવામાં આવ્યા છે. 
દરમિયાન, મહારાષ્ટ્ર એટીએસ દ્વારા પણ નાગપુરના મોમિનપુરા લત્તામાંથી એક શખસની ધરપકડ કરાઈ છે.
કમલેશ તિવારીની હત્યા કેસ મામલે પ્રેસ કોન્ફરન્સમાં ડીજીપીએ કહ્યું હતું કે, સુચનાઓ અને પુરાવા મળ્યા બાદ શુક્રવારે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. તપાસમાં હત્યાના તાર સુરત સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. મિઠાઈના બોક્સથી સુરાગ મળ્યા બાદ ગુજરાતના ડીજીપી સાથે વાતચીત શરૂ કરી હતી અને મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવાની શરૂઆત કરી છે. 
આ દરમિયાન ગુજરાત પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસ વચ્ચેનો સમન્વય મજબુત રહ્યો હતો. જોઈન્ટ ટીમે સુરતના ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા અને આકરી પુછપરછ કરવામાં આવી હતી. આ આરોપીઓમાં મૌલાના મોહસિન શેખ સલીમ સાડીની દુકાને કામ કરે છે. ફૈજાન પણ સુરતનો છે. અને ત્રીજો શખસ રશીદ અહેમદ ખુર્શીદ અહેમદ પઠાણ દરજી કામ કરે છે અને કોમ્પુય્ટરનો જાણકાર છે. આ ઉપરાંત અન્ય બે સંદિગ્ધની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં બન્નેને છોડી દેવામાં આવ્યા હતા.
ડીજીપીએ રશીદ પઠાણને હત્યાનો માસ્ટર માઈન્ડ ગણાવ્યો હતો. વધુમાં કમલેશ તિવારીના પરિવાર દ્વારા ફરીયાદ બાદ મૌલાના અનવારુલ હક અને મુફ્તી નઈમ કાજમીની પણ ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer