રાંચી ટેસ્ટમાં ભારતની મજબૂત શરૂઆત રોહિત અને રહાણેએ રંગ રાખ્યો

રાંચી ટેસ્ટમાં ભારતની મજબૂત શરૂઆત રોહિત અને રહાણેએ રંગ રાખ્યો
શર્માની શ્રેણીમાં ત્રીજી સદી ખરાબ પ્રકાશને લીધે ત્રીજા સત્રની રમત ખોરવાઈ
રાંચી, તા. 19 :  સિક્સરોના શહેનશાહ રોહિત શર્માની સિરીઝમાં ત્રીજી સદી (117 રને દાવમાં) અને અજિંક્ય રહાણે (83 રને દાવમાં)ની ઝમકદાર બેટિંગના સહારે ટીમ ઈન્ડિયાએ આજે અહીં ત્રીજી ટેસ્ટમાં ખરાબ પ્રકાશને લીધે રમત વહેલી બંધ કરાઈ ત્યારે ત્રણ વિકેટે 224 રનની સારી શરૂઆત કરી હતી. ભારતે ઓલરાઉન્ડર હનુમા વિહારીના સ્થાને ડાબોડી સ્પીનર શાહબાઝ નદીમનો સમાવેશ કર્યો છે.
ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. રબાડાએ મયંક અગ્રવાલ(10 રન) અને ચેતેશ્વર પૂજારા (0)ને સસ્તામાં સમેટી લીધા હતા. 39 રનના જુમલે ભારતને વિરાટ કોહલીની વિકેટના રૂપમાં મોટો ફટકો પડયો હતો. વિરાટ 12 રને નોર્ખિયેનો શિકાર બન્યો હતો, પણ રોહિત અને રહાણેએ ટીમને મુસીબતમાંથી બહાર કાઢી હતી. ખાસ કરીને બીજા સત્રમાં બંનેએ 4થી વધુની રનગતિ સાથે બેટિંગ કરીને આફ્રિકી બોલરોને હતાશ કરી નાખ્યા હતા. 
રોહિતે માત્ર 130 દડામાં જ સદી પૂરી કરી હતી. તેણે આજે ચાર સિક્સર ફટકારી હતી અને એક ટેસ્ટ શ્રેણીમાં સૈથી વધુ છગ્ગાનો નવો વિક્રમ પોતાના નામે ચડાવ્યો હતો, તો સામે છેડે રહાણેએ પણ આકર્ષક બેટિંગ કરી હતી. તેણે 13પ દડામાં 11 ચોગ્ગા અને એક સિક્સર ફટકાર્યા હતા. 
રોહિત અને રહાણેએ આજે 215 રનની વણતૂટી ભાગીદારી નોંધાવી હતી. પ8 ઓવરની રમત થઈ ત્યારે રાંચીમાં વાદળછાયા વાતાવરણને લીધે મેચમાં વિઘ્ન સર્જાયું હતું અને પછીની રમત શક્ય બની નહોતી. 
ભારતીય બેટધરો આવતીકાલે મોટો સ્કોર બનાવવાના પ્રયાસ કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer