અમે વધુ પાકટ - પોલિટિકલી મેચ્યોર થયા છીએ ફડણવીસ

કુન્દન વ્યાસ તરફથી
મુંબઈ, તા. 19 : દેવેન્દ્રભાઈ કહે છે, ``હું નરેન્દ્ર મોદી પાસેથી શીખ્યો છું કે સાથી-ભાગીદાર પક્ષો નવા મુદ્દા-નવા વિવાદ કાઢે તો પણ તેના વિવાદમાં શક્તિનો વ્યય કરવો નહીં-આપણા એજન્ડાને વળગી રહો-આખરે ગાડી પાટા ઉપર આવી જશે. આ અનુભવ અને શિક્ષણ પછી અમે વધુ ``પાકટ'' પોલિટિકલી મેચ્યોર થયા છીએ-અને બીજાઓ પણ થયા જ હશે!''
પક્ષ પલટુઓને ટિકિટો આપી છે તેથી પક્ષમાં નારાજી પણ થઈ છતાં શક્તિનો `સંચય' અને લાભ જરૂરી હતો. અલબત્ત થોડું ઘણું નુકસાન પણ થયું હશે.
કેટલાક સિનિયર પ્રધાનો-નેતાઓને પડતા મૂકવામાં આવ્યા તેનું શું કારણ? આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપવાને બદલે એમણે કહ્યું કે રાજ્યની ચૂંટણી સમિતિએ મોકલેલા અહેવાલની ભલામણોના આધારે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડે નિર્ણય લીધા છે.
શરદ પવાર સામે ચાલી રહેલી તપાસ અંગે રસપ્રદ માહિતી આપી : મેં તપાસ કરી કે શરદ પવાર સામે કેવી રીતે તપાસ શરૂ થઈ? ત્યારે જાણવા મળ્યું કે એમણે અપાયેલી લોનોની ભલામણ કરી હતી. સહકારી કારખાનાઓનાં મૅનેજમેન્ટ બોર્ડોએ-શરદ પવારના નામ સાથે ઠરાવો પસાર કર્યા હતા. અૉડિટરોના રિપોર્ટ્સમાં પણ ધ્યાન ખેંચાયું. ખાંડનાં કારખાનાં કરોડો રૂપિયાનાં હોય તે કોડીના ભાવે વેચાયાં અને ખરીદાયાં! ``માનનીય શરદ પવારજીની સૂચનાથી આવી ખરીદી માટે લોનો અપાઈ હતી. ઈડી - આર્થિક ગુનાખાતાંને ફરિયાદ થઈ ત્યારે તપાસ શરૂ થઈ. ફરિયાદીએ તેર (13) પાનાંનો ફરિયાદ પત્ર આપ્યો હતો. આ પછી અદાલતના આદેશ અનુસાર કેસ દાખલ થયા છે.
370મી કલમ અને વીર સાવરકરના મુદ્દે કૉંગ્રેસે વિરોધ કર્યા પછી `બગડેલી બાજી સુધારવા માટે''- ડેમેજ કન્ટ્રોલ માટે ડૉ. મનમોહન સિંઘને મેદાનમાં ઉતારવામાં આવ્યા પણ 370મી કલમ બાબત કૉંગ્રેસે સરકારને ટેકો આપ્યાની વાત તદ્દન ખોટી છે. વીર સાવરકરનું સન્માન ઇન્દિરાજીએ કર્યું હતું-એમ હવે કહેવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મંદી છે અને કારખાનાં બંધ પડયાં છે એવા એમના દાવા સાથે દેવેન્દ્ર સંમત નથી. અત્યારે `િરસેશન' નથી અને આર્થિક સુસ્તીમાં પણ વિકાસ દર પાંચ ટકાથી વધુ છે. મહારાષ્ટ્રમાં મૂડીરોકાણ દેશમાં સૌથી વધુ છે અને કેન્દ્ર સરકાર- રોજગારી સર્જવા માટે મૂડીરોકાણ કરે છે. પાંચ વર્ષમાં એક કરોડ રોજગારી સર્જાશે.
પીએમસી બૅન્કની જેમ મુંબઈમાં કપોળ બૅન્ક પણ બંધ પડી છે અને ખાતેદારોની રકમો સલવાઈ ગઈ છે. આ માટે રિઝર્વ બૅન્કની અૉડિટ સિસ્ટમ જવાબદાર છે. મુખ્ય પ્રધાને નાણાપ્રધાનને પત્ર લખીને વડા પ્રધાન સમક્ષ પણ રજૂઆત કરી છે. રાજ્યની સત્તા મર્યાદિત છે, પણ હવે ડિપોઝિટર્સ એકટ હેઠળ પગલાં વિચારાય છે. આવી સહકારી બૅન્કોને અન્ય વ્યવસ્થિત બૅન્ક સાથે જોડવાના વિકલ્પ પણ વિચારાઈ રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer