પીએમ મોદીના ઘરે બૉલીવૂડનો જમાવડો

આમિર, શાહરુખ, કંગના સહિતના કલાકારો સાથે થઈ ગાંધીજીના વિચારો ઉપર ચર્ચા
નવી દિલ્હી, તા. 19 : મહાત્મા ગાંધીના 150મી જન્મ જયંતિ વર્ષને લઈને કલા અને સિનેમા જગતના દિગ્ગજ લોકોએ પીએમ નરેન્દ્ર મોદીના આવાસની મુલાકાત લીધી હતી. અભિનેતા આમીર ખાન, શાહરુખ ખાન સહિતના દિગ્ગજોએ ગાંધીજી સંબંધિત કાર્યક્રમને લઈને સુચનો આપ્યા હતા. પીએમ આવાસે કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ગાંધીજીના વિચારો સાદગીનો પર્યાય છે. મહાત્મા ગાંધીના વિચારો વ્યાપક છે. 
મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ફિલ્મ જગતના લોકોને દાંડીમાં બનેલા ગાંધી મ્યૂઝિયમની મુલાકાત કરવાની અપીલ કરી હતી. તેમજ સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ પણ જવું જોઈએ તેમ કહ્યું હતું. કાર્યક્રમ સંબંધિત જાણકારી પીએમઓના ટ્વીટર એકાઉન્ટ મારફતે જારી કરવામાં આવી હતી. મોદીએ કલા અને સિને જગતના લોકોને કહ્યું હતું કે, રચનાત્મકતાની ક્ષમતા દેશમાં વધારે છે અને તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે. મહાત્મા ગાંધીના પણ વિચારોનો પ્રચાર કરવા માટે ફિલ્મ અને ટેલિવિઝનમાં શાનદાર કામ થઈ રહ્યું છે.  અભિનેતા આમીર ખાને કહ્યું હતું કે, તે ગાંધીજીના વિચારોનો પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદી દ્વારા થઈ રહેલા પ્રયાસોની સરાહના કરે છે. આવી જ રીતે શાહરુખ ખાને પણ મોદીનો આભાર માન્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer