એફબીઆઇની ટોપ-10 મોસ્ટ વૉન્ટેડ લિસ્ટમાં અમદાવાદી યુવકનું નામ

પત્નીની હત્યામાં ભદ્રેશ પટેલ ચાર વર્ષથી ફરાર
અમારા પ્રતિનિધિ તરફથી       
અમદાવાદ, તા.19: અમેરિકન એજન્સી ફેડરલ બ્યૂરો અૉફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)ના ટોપ-10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પત્નીની હત્યાના આરોપી એવા અમદાવાદના ભદ્રેશ પટેલનું નામ છે.
અમદાવાદના ઘાટલોડિયામાં રહેતી પલક પટેલ નામની યુવતીના લગ્ન ભદ્રેશ પટેલ સાથે થયા હતા. રાણીપ વિસ્તારમાં રહેતો ભદ્રેશ મૂળ વિરમગામ તાલુકાના કંટોડી ગામનો રહેવાસી છે. લગ્ન બાદ દંપતી અમેરિકાના હેનાવરમાં સ્થાયી થયું હતું ત્યારબાદ એપ્રિલ 2015માં ભદ્રેશ ચેતન પટેલે તેની પત્ની પલક પટેલની માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી હતી. 
મેરિલેન્ડ પોલીસે આ કેસમાં પલકના પતિ ભદ્રેશ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કર્યા બાદ તેની શોધખોળ હાથ ધરી છે. જોકે, ભદ્રેશ મેરિલેન્ડ પોલીસના હાથમાં ન આવતા, આ કેસની તપાસ અમેરિકાની સર્વોચ્ચ ક્રાઇમ ડિટેક્ટિવ એજન્સી એફબીઆઇને સોંપવામાં આવી છે. ત્યારબાદ એફબીઆઇએ ટોપ ટેન મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં ભદ્રેશ પટેલનો સમાવેશ કર્યો છે અને ભદ્રેશની માહિતી આપનારને એક લાખ ડૉલર ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. 
એફબીઆઇએ ભાગેડુ ભદ્રેશ પટેલ અંગે દેશની સીબીઆઇની ઇન્ટરપોલ વિંગ અને મુંબઈ તેમ જ દિલ્હી પોલીસને પણ જાણકારી આપી છે. ભદ્રેશ પટેલ મૂળ અમદાવાદ જિલ્લાના વિરમગામનો હોઇ ગત અઠવાડિયે એફબીઆઇની એક ટીમ અમદાવાદ જિલ્લામાં પણ ભદ્રેશની તપાસ માટે આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer