સુરત કાપડઉદ્યોગમાં પેમેન્ટની કટોકટી

શીફલી એમ્બ્રોઈડરી ઍસોસિયેશને બ્લૅક લિસ્ટેડ પાર્ટીને આપી ચેતવણી
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 19 : કાપડઉદ્યોગમાં છાશવારે ચીટિંગ અને ઊઠમણાંનાં બનાવો બની રહ્યા છે. જીએસટી અમલીકરણ બાદથી ઘટનામાં વધારો થયો છે. એમ્બ્રોઈડરી ખાતાધારકો મોડા પેમેન્ટ અને ઊઠમણાંની ઘટનાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. દક્ષિણ ગુજરાત શીફલી એમ્બ્રોઈડરી એસોસીયેશને બેઠક યોજી ચીટિંગ કરનારા કાપડના ઉદ્યોગકારોને બ્લેક લિસ્ટ કરી પેમેન્ટ ન ચૂકવે તો વેપાર નહિનો ફતવો જારી કર્યો છે. તેમ જ નિયત તારીખમાં પેમેન્ટ ભરપાઈ ન થાય તો 18 ટકા વાર્ષિક વ્યાજ વસૂલવાનું પણ નક્કી કર્યુ છે. 150 સભ્યોને બ્લેક લિસ્ટ કરાયા છે. આ કાપડ ઉદ્યોગનાં સાહસિકો પેમેન્ટ નહિ ચૂકવે ત્યાં સુધી વેપાર નહિ કરવાનો નિર્ણય કર્યો છે.  
નોંધવું કે, વર્ષ 2000ની સાલમાં સુરતમાં શીફલી એમ્બ્રોઈડરી ઉદ્યોગની શરૂઆત થઈ હતી. આજે 150 એકમોમાં 1200 મશીનો સાથે મહિને કુલ 45 લાખ મીટર કાપડ પર એમ્બ્રોઈડરીનું કામ એકમો કરે છે. સામાન્ય એમ્બ્રોઈડરી કરતાં શીફલી એમ્બ્રોઈડરીની ડિઝાઈન અલગ છે. જેટલું ઉત્પાદન થાય છે તેમાંથી 70 ટકાથી વધુ નિકાસ થાય છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં શીફલી એમ્બ્રોઈડરી ફેબ્રિકની નિકાસ થાય છે. 30 હજારથી વધુ લોકોને રોજગારી પૂરા પાડતાં 150 એકમો હાલમાં નાણાભીડમાં ફસાયા છે. એસોસિયેશને નાણાભીડ ટાળવા માટે રેફરલ સિસ્ટમ ઘડી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer