આગામી 18 મહિનામાં 3 લાખ લોકોને રોજગાર આપી શકે છે સ્વિગી

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નિયોક્તા બનવાની સંભાવના 
બેંગલુરૂ, તા. 19 : ફુડ ડિલિવરી સ્ટાર્ટઅપ સ્વિગી બ્લુ કોલર જોબ (શારીરીક શ્રમની નોકરી) આપનારી સૌથી મોટી ખાનગી કંપની બની શકે છે. કંપની આગામી 18 મહિનામાં 3 લાખ ડિલિવરી એક્ઝિક્યૂટિવની નોકરી આપવાની તૈયારીમાં છે. ત્યારબાદ કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા પાંચ લાખથી પણ વધારે થઈ જશે. 
સ્વિગીના કો ફાઉન્ડર અને સીઈઓ શ્રીહર્ષ મજેટીએ કંપનીની વાર્ષિક બેઠકમાં કહ્યું હતું કે, હજી વિકાસનો થોડો અંદાજ યથાવત રહેશે તો એ દિવસ દુર નથી જ્યારે કંપની સેના અને રેલવે બાદ દેશમાં રોજગારનો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત બની જશે. ભારતીય સેનામાં 12.5 લાખ સૈનિક છે. જ્યારે માર્ચ 2018 સુધીમા રેલવેમાં 12 લાખથી વધુનો સ્ટાફ હતો. આઈટી કંપની ટીસીએસમાં 4.5 લાખ કર્મચારી છે. આ કંપની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નિયોક્તા છે. જેમાં મોટાભાગના એન્જીનિયર કામ કરે છે. કંપનીમાં કર્મચારીઓને  સ્થાયી નોકરી મળે છે. જ્યારે સ્વિગીમાં કર્મચારીઓને કામ મુજબ વેતન આપવામાં આવે છે. વર્તમાન સમયમાં સ્વિગીમાં 2.1 લાખ માસિક ડિલિવરી સ્ટાફ છે અને 8 હજાર કોર્પોરેટ કર્મચારી પેરોલઉપર છે. બ્લુ કોલર જોબમાં સ્વિગીની પ્રતિદ્વંદ્વી કંપની જોમેટો છે. જેની પાસે 2.3 લાખ કર્મચારી છે. જ્યારે ઈકોમર્સ કંપની ફલીપકાર્ટ પાસે 1 લાખ કર્મચારી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer