ઇકબાલ મિરચી મની લૉન્ડરિંગ કેસ

ડીએચએફએલનાં અનેક ઠેકાણે ઈડીએ દરોડા પાડયા
મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : વૈશ્વિક આતંકવાદી દાઉદ ઇબ્રાહિમના સાગરીત ઇકબાલ મિરચી વિરુદ્ધના મની લૉન્ડરિંગ કેસ સાથે સંકળાયેલી ડીએચએફએલ અને અન્ય કંપનીઓનાં લગભગ ડઝન જેટલાં ઠેકાણાંઓ પર શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) દરોડા પાડયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. 
તેમણે જણાવ્યું હતું કે પ્રિવેન્શન અૉફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. મિરચીની નાણાકીય લેવડદેવડ માટે કેન્દ્રમાં રહેલી સનબ્લીન્ક રિયલ એસ્ટેટ સાથે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કૉર્પોરેશન લિમિટેડ (ડીએચએફએલ)ના કહેવાતાં વ્યાપારી સંપર્ક હતા. ડીએચએફએલએ આ રિયલ એસ્ટેટ કંપનીને 2186 કરોડ રૂપિયાની લોન આપી હતી.
જોકે અગાઉ ડીએચએફએલએ જણાવ્યું હતું કે તેમને આ કંપની સાથેની લેવડદેવડમાં કંઈ લાગતું વળગતું નથી.
મિરચીનું 2013માં લંડનમાં મૃત્યુ થયું હતું. દાઉદ ઇબ્રાહિમના કૅફી દ્રવ્યોની દાણચોરી અને ખંડણીના ગુનાઓમાં તે દાઉદનો જમણો હાથ મનાતો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer