ફેર અૉડિટમાં તળમુંબઈના 73માંથી માત્ર એક જ બ્રિજ સારી સ્થિતિમાં જણાયો!

મુંબઈ, તા. 19 : તળમુંબઈના વિવિધ પુલો અને ફૂટ ઓવરબ્રિજ (એફઓબી)નાં ફરી કરાયેલાં અૉડિટમાં માત્ર એક જ પુલ સારી સ્થિતિમાં જણાયો હતો. માત્ર હિંદમાતા ફ્લાયઓવરને બાદ કરતાં બાકીનાં બધા 72 પુલ નાનું કે મોટું સમારકામ માગે છે.
સીએસએમટી પાસેનો હિમાલય ફૂટ ઓવરબ્રિજ ગત માર્ચમાં તૂટી પડયો એના પગલે વિવિધ પુલ અને એફઓબીનું રિઅૉડિટ કરવામાં આવ્યું હતું. હિમાલય બ્રિજની દુર્ઘટનામાં સાત જણ મૃત્યુ પામ્યાં હતાં અને 30 જણ વધુ ઈજા પામ્યા હતા. તાજેતરમાં સુપરત કરાયેલા રિઅૉડિટ રિપોર્ટમાં 39 પુલનું મોટું સમારકામ કરવાની ભલામણ કરાઈ છે.
જે કેટલાક બ્રિજ અતિ વ્યસ્ત રહે છે, તેમાં ગ્રાન્ટ રોડ બ્રિજ, પ્રિન્સેસ સ્ટ્રીટ, એફઓબી, ગ્લોરિયા ચર્ચ ફ્લાયઓવર, પી. ડીમેલો એફઓબી, ડોંકયાર્ડ રોડ એફઓબીનો સમાવશ થાય છે અને તેમને મોટા સમારકામની જરૂર છે.
અગાઉનું અૉડિટ પ્રોફેસર ડી ડી દેસાઈ ઍસોસિયેટેડ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટસ દ્વારા કરાયું હતું. આ કંપનીનો રિપોર્ટ 2018ની 13 અૉગસ્ટે સુપરત કરાયો હતો, જેમાં હિમાલય બ્રિજને સારી સ્થિતિમાં હોવાનું જણાવાયું હતું. હિમાલય બ્રિજ પડી જતાં મુંબઈ મહાપાલિકાનો દેસાઈના રિપોર્ટમાં વિશ્વાસ ડગી ગયો હતો.
ગત જૂનમાં મહાપાલિકાએ સ્ટ્રકવેલ ડીઝાઈનર્સ ઍન્ડ કન્સલ્ટન્ટસ પ્રાઈવેટ લિમિટેડને તળમુંબઈનાં પુલોનાં ફેર અૉડિટની જવાબદારી સોંપવામાં આવી હતી.
દેસાઈ કંપનીએ 17 બ્રિજને સારી સ્થિતિમાં હોવાના ગણાવ્યા હતા, જેમાં હિમાલય બ્રિજનો પણ સમાવેશ થતો હતો. જ્યારે સ્ટ્રકવેલ કંપનીએ આમાંથી માત્ર હિંદમાતા બ્રિજને જ સારી સ્થિતિમાં ગણાવ્યો છે. ફેર અૉડિટમાં એવું પણ જણાવ્યું છે કે 33 બ્રિજને નાનું સમારકામ જરૂરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer