જેમ્સ-જ્વેલરીની નિકાસ આ વર્ષમાં 5-10 ટકા ઘટવાની શક્યતા

મુંબઈ, તા. 19 : આ નાણાકીય વર્ષમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 5-10 ટકા ઘટે એવી શક્યતા છે. યુએસ-ચીન વચ્ચે ટ્રેડવૉર અંગે ચાલુ અનિશ્ચિતતા, પશ્ચિમ એશિયામાં વેટનો અમલ વગેરે કારણોની અસરનું આ પરિણામ હોવાનું મનાય છે.
એપ્રિલથી સપ્ટેમ્બર, '19ના ગાળામાં નિકાસ 5.70 ટકા ઘટી રૂા. 1,32,170.32 કરોડની રહી હતી જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂા. 1,40,158.83 કરોડ નોંધાઈ હતી.
જીજેઈપીસીના પ્રવકતાના જણાવ્યા મુજબ આમ જેમ્સ-જ્વેલરીની નિકાસનું ચિત્ર સર્વાંગી દૃષ્ટિએ જોતાં 5-10 ટકાનો ઘટાડો દાખવે એમ મનાય છે.
સપ્ટેમ્બરમાં જેમ્સ-જ્વેલરીની નિકાસ 7.43 ટકા ઘટી રૂા. 23,788.01 કરોડની જે 2018ના સપ્ટેમ્બરમાં રૂા. 25,698.6 કરોડ નોંધાઈ હતી.
કટ અને પૉલિશ્ડ ડાયમંડ સપ્ટેમ્બરમાં 18.87 ટકા ઘટી રૂા. 13,874 કરોડની રહી હતી, જે સપ્ટેમ્બર, 2008માં રૂા. 17,101.45 કરોડ નોંધાઈ હતી.
અત્રે યાદ રાખવાનું કે આર્થિક ચિત્ર મંદ પડી ગયેલું જોતાં અને ગ્રાહકોની નિરસ માગ લઈને તહેવારો માટેની માગ સુસ્ત રહી હતી.
જીજેઈપીસી આ ક્ષેત્રમાં 6000 નિકાસકારોનું પ્રતિનિધિત્વ કરે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer