16 કંપનીઓનાં ટ્રેડિંગ સસ્પેન્ડ

નવી દિલ્હી, તા. 19 : બીએસઈ 4થી નવેમ્બરથી મનપસંદ બેવરેજિસ અને બિનાની ઇન્ડસ્ટ્રીઝ સહિત કુલ 16 કંપનીઓનાં શૅરોમાં કામકાજ સસ્પેન્ડ કરશે. આ કંપનીઓ ત્રિમાસિક પરિણામ સહિત શૅરબજારના લિસ્ટિંગ ધોરણોની અન્ય શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જતાં તેમની સામે પગલાં લેવામાં આવ્યાં છે. જે કંપની 31 અૉક્ટોબર સુધીમાં લિસ્ટિંગનાં ધોરણો પરિપૂર્ણ કરશે તેઓ પરથી સસ્પેન્ડનો નિર્ણય પાછો ખેંચવામાં આવશે, એમ સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું.
આ બે કંપનીઓ ઉપરાંત જે કંપનીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો તેમાં 8 કે માઈલ્સ સોફ્ટવેર, એટલાસ સાઈકલ (હરિયાણા), ડિઓન ગ્લોબલ સોલ્યુશન, ડોલ્ફિન અૉફશોર એન્ટરપ્રાઈઝ, હાય સાઉન્ડ એન્ટરપ્રાઈઝ જેજે એક્સ્પોર્ટસ, માર્ગ લિ., મયૂર વેધર પ્રોડક્ટ, રાઠી ગ્રાફિક્સ ટેક્નોલૉજી, સ્નેગ ફ્રોઈડ લેબ (ઇન્ડિયા), સુપ્રીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા, ક્રોસબોર્ડ ઇન્ડસ્ટ્રીઝ, એનઆર ઇન્ટરનેશનલ અને રિયલ ગ્રોથ કમર્શિયલ એન્ટરપ્રાઈસનો આમાં સમાવેશ થાય છે.
આ કંપનીઓ માર્ચ અને જૂન ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કરવામાં નિષ્ફળ ગઈ છે અને ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ જતાં એનો દંડ સમયસર ભરી શકી નથી. સેબીના લિસ્ટિંગ અંગેનાં ધોરણો હેઠળ રેગ્યુલેશન 33ને આ કંપનીઓ પરિપૂર્ણ કરી શકી નહીં હોવાથી તેમની પાસે પગલાં ભરવામાં આવ્યાં હતાં. રેગ્યુલેશન 33એ નાણાકીય પરિણામ જાહેર કરવાના સંદર્ભમાં છે. જોકે, એનઆર ઇન્ટરનેશનલ અને રિયલ ગ્રોથ કમર્શિયલ એન્ટરપ્રાઈઝ બીએસઈને પરિણામ તો જાહેર કર્યાં હતાં પણ દંડની રકમ હજી સુધી ભરી નહીં હોવાથી તેઓની સામે પગલાં લેવાયાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer