કચ્છના સિર ક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ મળી

કચ્છના સિર ક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ મળી

 ભુજ, તા. 5 : કચ્છના સિર ક્રીક વિસ્તારમાં દફા ક્રીકમાંથી આજે બે પાકિસ્તાની બોટ બિનવારસુ હાલતમાં મળી આવી હતી. જો કે, બોટમાંથી માછીમારીના સાધનો તથા જીવન જરૂરી વસ્તુઓ સિવાય કોઇ સંદિગ્ધ વસ્તુઓ મળી નથી. આમ પ્રાથમિક રીતે આ માછીમારી બોટ હોવાનું સમજાય છે. પરંતુ આ બોટ મળી આવતાં બીએસએફના જવાનોએ દરિયાની ક્રીકો ખૂંદી સઘન તપાસ શરૂ કરી દીધી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તંગ પરિસ્થિતિ છે ત્યારે આજે સવારે 8-25 વાગ્યે સીમા સુરક્ષા દળના જવાનો સ્પીડ બોટ મારફત સિર ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે દફા ક્રીકમાં બે લાકડાની સિંગલ ઇન્જિનવાળી પાકિસ્તાની માછીમારી બોટ મળી આવી હતી. બીએસએફના જવાનોએ બોટને પોતાના કબ્જામાં લઇ તેની તલાશી લેતાં માછીમારીના સાધનો અને ખાદ્ય ચીજવસ્તુઓ મળી હતી. પરતુ કોઇ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
બિનવારસુ મળેલી બે બોટમાં સવારો ગોતી કાઢવા જવાનોએ દરિયા ક્રીકમાં ચોફેર ફરી વળ્યા હતા,પરંતુ સવારો અન્ય બોટ મારફત નીકળી ગયાની સંભાવના દર્શાવાઇ રહી છે. પરંતુ માછીમારીની બોટ તથા માછીમારોના સ્વાંગમાં આતંકવાદીઓ પણ ઘૂસી આવતા હોવાના પગલે બીએસએફ કોઇ કચાસ રાખવા માંગતું ન હોવાથી વિસ્તારોમાં તલાશી અભિયાન સઘન બનાવી દેવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ તંગ બન્યા છે અને પાકિસ્તાનને અડી આવેલી સરહદોને સાવચેત કરી દેવાઇ છે અને કચ્છમા પણ એલર્ટની સ્થિતિ છે ત્યારે નવરાત્રિ અને આગામી દિવસોમાં દિવાળીના મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે આજે આ બિનવારસુ મળી આવેલી બે પાકિસ્તાની બોટના પગલે સુરક્ષા એજન્સિઓની દોડધામ વધી ગઇ છે અને વધુ સતર્ક બની છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer