ઝાડો કાપવાનું શુક્રવાર રાતથી શરૂ થયું પર્યાવરણ પ્રેમીઓને વધુ એક ઝટકો

ઝાડો કાપવાનું શુક્રવાર રાતથી શરૂ થયું પર્યાવરણ પ્રેમીઓને વધુ એક ઝટકો
આરેમાં વૃક્ષો કાપવા સામે સ્ટે આપવા હાઈ કોર્ટનો ઇનકાર
સમગ્ર આરે કૉલોનીમાં 144મી કલમ લાગુ : 38 એક્ટિવિસ્ટો સામે કેસ દાખલ : 60 જણની અટક
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : મુંબઈમાં `ફેફસાં' સમાન આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ માટે વૃક્ષો કાપવા સામે સ્ટે આપવાનો મુંબઈ હાઈ કોર્ટે શનિવારે ઇનકાર કર્યો હતો.
મુંબઈ મહાનગર પાલિકાની ટ્રી અૉથોરિટીએ આરે કૉલોનીમાં મેટ્રો કાર શેડ માટે 2656 વૃક્ષો કાપવાનાં મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશનનાં પગલાંને મંજૂરી આપી એની વિરુદ્ધ એનજીઓ અને એક્ટિવિસ્ટોએ નોંધાવેલી ચાર અરજીઓ હાઈ કોર્ટે શુક્રવારે કાઢી નાંખે એ બાદ પર્યાવરણ એક્ટિવિસ્ટોએ શનિવારે વૃક્ષો કાપવા સામે સ્ટે આપવા નવેસરથી કોર્ટમાં અરજી કરી હતી.
શુક્રવારે હાઈ કોર્ટે એક્ટિવિસ્ટોની અરજીઓ કાઢી નાંખી એ બાદ મેટ્રો રેલ કૉર્પોરેશને રાતથી જ વૃક્ષો કાપવાનું શરૂ કર્યું હતું. જેનો ગ્રીન એક્ટિવિસ્ટોએ જોરદાર વિરોધ કર્યો હતો અને તેમણે આરે કૉલોનીમાં દેખાવો ચાલુ રાખ્યા હતા.
મેટ્રો કૉર્પોરેશનનાં વૃક્ષો કાપવામાં પગલાં સામે એક સપ્તાહનો મનાઇહુકમ મેળવવા માટે એક્ટિવિસ્ટોએ આજે અરજી કરી હતી, જેથી કરીને તેઓ હાઈ કોર્ટમાં ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકે.
આ અરજીની ન્યાયમૂર્તિ એસ.સી. ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ એ. કે. મેમને તાકીદની સુનાવણી હાથ ધરી હતી. બન્ને પક્ષોની ટૂંકી દલીલો સાંભળીને કોર્ટની બેન્ચે સ્ટે આપવાનો ઇન્કાર કરતા અરજી કાઢી નાંખી હતી. દરમિયાન શનિવારે એક્ટિવિસ્ટોનાં જોરદાર વિરોધ અને દેખાવોને પગલે પોલીસે આરે કોલોની અને તેના આસપાસના વિસ્તારોમાં ફોજદારી દંડ સંહિતની 144 કલમ લાગુ પડી હતી. જે હેઠળ એ વિસ્તારમાં લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
શુક્રવારે વિવિધ કલમો હેઠળ 38 દેખાવકારો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે 60 જણાની અટક કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાં શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીને પણ કસ્ટડીમાં લઈ જવાયાં હતાં.
વિરોધ પક્ષોએ શાસક સેના ભાજપની યુતિ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તે વૃક્ષોને બચાવવામાં નિષ્ફળ થઈ છે.
આદિત્ય ઠાકરેએ મેટ્રો અધિકારીઓની ટીકા કરી
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પર્યાવરણને નુકસાન પહોંચાડીને ભારે `ત્વરાથી' વૃક્ષો કાંપી નાંખવા માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે એ ઘટના `શરમ જનક અને ક્ષોભ જનક' છે.
ઠાકરેએ ત્યાં સુધી કહ્યું હતું કે મેટ્રોના અધિકારીઓને વૃક્ષો કાપવાનાં સ્થળોને બદલે પાક કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ ધ્વસ્ત કરવા મૂકવાં જોઇએ.
શુક્રવારે હાઈ કોર્ટે એક્ટિવિસ્ટોની અરજીઓ કાઢી નાંખી એના ગણતરીના કલાકોમાં મેટ્રો કૉર્પોરેશને વૃક્ષો કાપવાનું શરૂ કરી દીધું હતું. વૃક્ષો કાપવાનું શરૂ થયું કે સેંકડો પર્યાવરણ પ્રેમીઓ આરે કોલોનીમાં એકઠા થયા હતા અને તેમણે વિરોધ કર્યો હતો. તેમણે સત્તાવાળાઓને વૃક્ષો કાપતાં અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
એક રાતમાં જ 200 વૃક્ષ કાપ્યાં
પર્યાવરણ પ્રેમીઓએ દાવો કર્યો હતો કે અત્યાર સુધી 200 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શનને પગલે શનિવારે પોલીસે સમગ્ર આરે કોલોનીને કોર્ડન કરી દીધી હતી. પોલીસે ત્યાં જમા થયેલા લોકોને વિખેરી નાંખ્યા હતા અને જરૂર જણાતાં તેમને જબરજસ્તથી ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા.
એક એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે એ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવાના આવ્યો છે અને પર્યટકોને પણ અટકાવવામાં આવી રહ્યા છે. એક્ટિવિસ્ટોએ આક્ષેપ કર્યો હતો કે આ કેસ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ 10 અૉક્ટોબરે આવે એ પહેલાં જ મેટ્રો કોર્પોરેશન બધા વૃક્ષો કાપી નાખવાની પહેલમાં છે.
કૉંગ્રેસનો વિરોધ કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમે આરેમાં વૃક્ષો કાપવાની કામગીરીને અને એનો વિરોધ કરનારાઓની ધરપકડને આજે વખોડી કાઢી હતી.
કૉંગ્રેસના અન્ય યુવા નેતા અને ભૂતપૂર્વ સાંસદ મિલિન્દ દેવરાએ વૃક્ષો કાપવાની કાર્યવાહીને `પોતાનાં ફેફસાં પર જ છરી હુલાવવા' સમાન ગણાવી હતી.  નિરૂપમે જણાવ્યું હતું કે શિવસેના બેવડાં ધોરણ અપનાવી રહી છે. કારણ કે વૃક્ષો કાપવાના કાર્યવાહીને તે વખોડે છે છતાં ભાજપની સરકારને ટેકો આપે છે. દેવરાએ કહ્યું હતું કે વૃક્ષોની `ઘાતકી' અને હત્યા કરવામાં આવી રહી છે એ મુંબઈની પડતી છે.'
અશ્વિની ભીડે શુ કહે છે?
વૃક્ષો કાપતાં પહેલાં નવેસરથી નોટિસ આપવી જોઇએ એવી ગ્રીન એક્ટિવિસ્ટની દલીલને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને નકારી કાઢી હતી.
મેટ્રો કોર્પોરેશનના મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રેમીઓએ કોર્ટમાં તેમની હારને `સન્માનજનક રીતે' સ્વીકારી લેવી જોઇએ.
મહાપાલિકાની ટ્રી અૉથોરિટીએ 13 સપ્ટેમ્બરે મંજૂરી આપી હતી. હાઈ કોર્ટે ચાર અરજીઓ કાઢી નાંખી હતી અને અર્થહીન અરજી કરવા માટે 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો, એમ ભીડેએ કહ્યું હતું.
કોર્ટે બધી જ અરજીઓ સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢી છે. `છતાં કેટલાક લોકો પોતાને ન્યાયતંત્રથી પણ ઉપર ગણે છે.' એમ જણાવતા ભીડેએ કહ્યું હતું કે તેમનાં પગલાં જ ગેરકાયદે છે છતાં તેઓ વિરોધ કરે છે, જો તમે કોર્ટમાં લડાઈ હારી જાવ તો તેને શેરીઓમાં લઈ જવાને બદલે સન્માન ભેર હાર સ્વીકારી લો.'

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer