રાહુલે તૈયાર કરેલા યુવા નેતાઓને નાબૂદ કરવાનું કાવતરું અશોક તનવર

રાહુલે તૈયાર કરેલા યુવા નેતાઓને નાબૂદ કરવાનું કાવતરું અશોક તનવર
હરિયાણા કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે પક્ષમાંથી આપ્યું રાજીનામું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 5 : રાહુલ વિરોધી અને ટીમ સોનિયાના વફાદારોની સામે સંજય નિરૂપમના બખાળા બાદ દેખીતી રીતે હિંમત મેળવીને અને ગત સપ્તાહે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા ત્રિપુરા કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખને અનુસરીને હરિયાણા કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અશોક તનવરે પણ શનિવારે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ટિકિટ વિતરણમાં કથિત ગેરરીતિઓ અંગે તનવરે ગઈકાલે પક્ષની ચૂંટણી સમિતિઓમાંથી અગાઉથી રાજીનામું આપી
દીધું હતું.
આ રાજીનામાની સાથે રાહુલ તરફી અને સોનિયા તરફી છાવણીઓની વચ્ચે જાણે કે યુદ્ધ જાહેર થયું છે અને બંને જૂથોની વચ્ચે સોનિયા ગાંધી કેવી રીતે સંતુલન જાળવશે તે જોવું રહ્યું.
ટ્વીટર પર મૂકેલા રાજીનામાના પત્રમાં તનવરે જણાવ્યું છે કે, કૉંગ્રેસ પક્ષ અસ્તિત્વ ટકાવી રાખવાની કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. આ કટોકટી તેના રાજકીય વિરોધીઓને કારણે નથી સર્જાઈ, પરંતુ આંતરિક વિરોધાભાસ-વિખવાદને કારણે સર્જાઈ છે. પાયાના સ્તરેથી ઉપર આવેલા પરિશ્રમી અને બિનરાજકીય તથા ગરીબ પારિવારિક પાશ્ચાદભૂ ધરાવતા કૉંગ્રેસીઓની કદર નથી કરાતી. નાણાં, બ્લૅકમેલ તથા દબાણની પ્રયુક્તિઓ અજમાવાઈ રહી હોવાનું જણાય છે. સ્વાર્થી હિતો તથા થોડીક લોબીઓ દ્વારા આંતરિક લોકતંત્રને ખતમ કરાઈ રહ્યું હોવાનો છેલ્લાં પાંચ વર્ષમાં મેં અનુભવ્યું છે.
કૉંગ્રેસની સાથે પોતાના અનુભવની વિગતો વર્ણવતાં તનવરે કહ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા ઉછેરાયેલા યુવા નેતાઓને નાબૂદ કરવા માટે અનેક વિવાદો-ષડયંત્રો રચાઈ રહ્યાં છે અને તેનું કેન્દ્ર હરિયાણા છે.
ગુલામનબી આઝાદ અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ જેવા વરિષ્ઠ નેતાઓનો નામોલ્લેખ કરીને તનવરે કહ્યું હતું કે, અખિલ ભારત કૉંગ્રેસ મહાસમિતિમાં નિર્ણય લેનારાઓ જાતે ચૂંટણી લડી નથી શકતા જ્યારે જમીન પરના સૈનિકોની અવગણના કરાય છે. મારી લડાઈ અંગત નથી, પરંતુ સૌથી જૂના પક્ષનો નાશ કરી રહેલી સિસ્ટમની સામે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer