પીએમસી બૅન્કના માજી મૅનેજિંગ ડિરેક્ટર થોમસને 17 અૉક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી

પીએમસી બૅન્કના માજી મૅનેજિંગ ડિરેક્ટર થોમસને 17 અૉક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી
મુંબઈ, તા. 5 : પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કોઅૉપરેટિવ બૅન્ક (પીએમસી)ના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર જોય થોમસને બૅન્કના 4,355 કરોડ રૂપિયાના ગોટાળાના આરોપ સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. તેમને 17 અૉક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. 
મુંબઈ પોલીસની ઈકોનોમિક અૉફેન્સ વિંગ (ઈઓડબ્લ્યુ) એ થોમસની ગુરુવારે ધરપકડ કરી હતી અને પછી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે તેમને પૂછપરછ કરવા માટે થોમસની કસ્ટડી જોઈએ છે. થોમસના વકીલે દલીલ કરી હતી કે તેમનો આ ગોટાળામાં કોઈ જ હાથ નથી અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. સેવાળિયો બનેલી કંપની 
હાઉસિંગ ડેવલપમેન્ટ ઍન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (એચડીઆઈએલ) ના ડાયરેક્ટર રાકેશ વાધવા અને તેમના પુત્ર સારંગની પણ ઈઓડબ્લ્યુએ ગુરુવારે આ કેસમાં ધરપકડ કરી હતી. તેઓને 9 અૉક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યા છે. 
પીએમસી બૅન્કને 4,355.43 કરોડ રૂપિયાની ખોટ કરાવવાના આરોપસર ઈઓડબ્લ્યુએ એચડીઆઈએલના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ સોમવારે એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં વાધવા જોડીની સાથે પીએમસી બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન વાર્યામ સિંઘ, થોમસ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના નામ છે. એફઆઈઆર નોંધ્યા બાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં છ જગ્યાએ રેડ પાડી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer