ચૂંટણીની ડિપૉઝિટ પેટે 10 રૂપિયાના સિક્કા આપ્યા!

મુંબઈ, તા. 5 : સ્થાનિક વેપારીઓ 10 રૂપિયાનાં સિક્કા વ્યવહારમાં સ્વીકારતા ન હોવાની બાબત પર પ્રકાશ પાડવા માટે લાતુર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડનાર ઉમેદવારે ચૂંટણીની ડિપૉઝિટની રકમનાં 10,000 રૂપિયા 10 રૂપિયાનાં સિક્કાઓ ભર્યા હતા. ઉમેદવારે સંતોષ સાબળેએ કહ્યું હતું કે, પહેલા ઈલેક્શન કમિશને સિક્કાઓ લેતા ખચકાટ અનુભવ્યો હતો, પરંતુ પછી ચુપચાપ સ્વીકારી લીધા હતા. 
વિધાનસભાની ચૂંટણી લડનાર ઉમેદવારે ડિપૉઝિટ તરીકે 10,000 રૂપિયા ભરવાના હોય છે. 21 અૉક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા શુક્રવાર છેલ્લો દિવસ હતો. 2009માં આવેલી મકરંદ અનાસપુરે અભિનિત ફિલ્મ `ગલ્લિત ગોંઘળ દિલ્લિત મુજરા'માં એક દૃશ્યમાં ઉમેદવારે સિક્કાઓ ભર્યા ત્યારે પ્રશાસનને એ ગણતા પરસેવો વળી ગયો હતો. આ જ ફિલ્મથી પ્રેરિત થઈને જ કાયદાનું શિક્ષણ લેતા 28 વર્ષીય સંતોષ સાબળેને વિચાર આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, લાતુરમાં લોકો લેવડદેવડમાં 10 રૂપિયાનો સિક્કો વાપરતા નથી અને સ્વીકારતા પણ નથી. એટલે મે બધા પાસેથી સિક્કા ભેગા કર્યાં હતાં. શરૂઆતમાં ચૂંટણી અધિકારીઓ સિક્કા સ્વીકારવામાં ખચકાતા હતા પણ પછી સ્થાનિક મીડિયાને બોલાવવાની વાત કરી ત્યારે તેઓએ સિક્કા સ્વીકારવાનું નક્કી કર્યું હતું. ચૂંટણી અધિકારીઓએ પહેલાં કહ્યું હતું કે અમે 1000 રૂપિયાના જ સિક્કા સ્વીકારશું બાકીનું નોટમાં. ત્યારે સંતોષે કહ્યું હતું કે, સિક્કાઓ કાયદેસર છે એટલે તેને સ્વીકારવા જ પડે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer