અનંતનાગમાં આતંકીઓનો ગ્રેનેડ હુમલો 14ને ઈજા

શ્રીનગર, તા. 5 : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદથી આતંકવાદીઓ બેબાકળા બન્યા છે. આર્ટિકલ 370 હટાવ્યાના બે મહિના પૂરા થયા છે ત્યાર અનંતનાગ જીલ્લામા ડીસી કાર્યાલય બાદ આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં ટ્રાફિક પોલીસનો એક વિશેષ જવાન, એક સ્થાનિક પત્રકાર સહિત 14 લોકોને ઈજા પહોંચી હતી. હુમલા બાદ આસપાસના વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને મોટાપાયે સર્ચ ઓપરેશન છેડવામાં આવ્યું હતું. 
પોલીસના એક અધિકારીના કહેવા પ્રમાણે અનંતનાગના સુરક્ષા ધરાવતા ડીસી કાર્યાલય પરિસર બહાર સુરક્ષા દળ ઉપર સવારે 11 વાગ્યે ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. ગ્રેનેડ નિશાનો ચૂકી જતા રસ્તા ઉપર જ ફૂટી ગયો હતો અને ટ્રાફિક પોલીસનો એક જવાન, પત્રકાર સહિત 14 લોકોને ઈજા પહોંચી હતી.
હુમલામાં ઘાયલ તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં 13ને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. હુમલા બાદ વિસ્તારમાં તનાવ ફેલાયો હતો અને ઘેરાબંધી કરીને આતંકવાદીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. આ ગાઉ શ્રીનગરના નવા કદલ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા તૈનાત કરવામાં આવેલા સીઆરપીએફના જવાનો ઉપર 28 સપ્ટેમ્બરના રોજ આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. જો કે હુમલામાં કોઈ નુકશાન થયું નહોતું. 
બે મહિના અગાઉ પાંચ ઓગષ્ટના રોજ મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાશ્મીરના સ્થાનિક પક્ષોના નેતાઓને નજરબંધ કરી દેવામાં આવ્યા હતા અને ઈન્ટરનેટ સેવા ઉપર પણ રોક લાદી દેવામાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer