ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સાત કરાર

નવી દિલ્હી, તા. 5 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગલાદેશનાં વડાપ્રધાન શેખ હસીના વચ્ચે શનિવારે મુલાકાત બાદ ભારત અને બાંગલાદેશ વચ્ચે કુલ સાત સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. બન્ને નેતાઓએ બાંગલાદેશમાંથી એલપીજીની આયાત સહિત ત્રણ મહત્ત્વની યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આ ત્રણેય યોજના વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લોન્ચ કરાઈ હતી.
શેખ હસીના સાથે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, એક વર્ષમાં 12 સંયુક્ત યોજનાઓ શરૂ કરવાની તક મળવા બદલ ખુશી છે.
એલપીજી આયાત ઉપરાંત, વ્યાવસાયિક તાલીમ અને સામાજિક સુવિધા એમ ત્રણ પ્રોજેક્ટ બન્ને દેશ વચ્ચે લોન્ચ કરાયા હતા. 
બાંગલાદેશમાંથી એલપીજીની આયાત તેમજ બાંગલાદેશ-ઈંડિયા પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટયૂટ અને ઢાકામાં રામકૃષ્ણ મિશનમાં વિવેકાનંદ ભવન એમ ત્રણ યોજનાઓ છે.
બાંગલાદેશના ઔદ્યોગિક વિકાસ માટે કુશળ માનવ બળ અને ટેક્નિશિયન્સ તૈયાર કરાશે, તો વિવેકાનંદ ભવનમાં 100થી વધુ યુનિવર્સિટી છાત્રો અને સંશોધકોના રહેવાની વ્યવસ્થા કરાઈ છે. 
મોદીએ જણાવ્યું હતું કે, એલપીજી આયાત બન્ને દેશને ફાયદો કરશે. પરિવહનનું અંતર 1500 કિ.મી. ઘટી જતાં આર્થિક લાભ વધવા સાથે પર્યાવરણને નુક્સાન ઘટાડી શકાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer