શહીદોનાં કુટુંબોને મળશે આઠ લાખ

આર્થિક સહાયમાં ચારગણા વધારાને સંરક્ષણપ્રધાન રાજનાથની મંજૂરી
નવી દિલ્હી, તા. 5 : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લાંબા સમયથી ઊઠી રહેલી માંગ આખરે સ્વીકારી લેતાં યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના પરિવારોને અપાતી આર્થિક સહાય વધારવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. શહીદ જવાનોનાં કુટુંબોને મળતી સહાયમાં ચાર ગણા વધારા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તરફથી મંજૂરી મળી ગઇ છે.
આ બહાલી બાદ શહીદોના સ્વજનોને બે લાખનાં સ્થાને આઠ લાખ રૂપિયાની આર્થિક સહાય મળવા માંડશે. આ મદદ પેન્શન, સેનાનો સામૂહિત વિમો, સેના કલ્યાણનિધિ અને અનુગ્રહ રાશિ ઉપરાંત અપાતી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓએ શનિવારે કહ્યું હતું કે, આ આર્થિક સહાય યુદ્ધના શહીદ સૈનિકો માટે બનાવાયેલા સૈનિક કલ્યાણનિધિ હેઠળ અપાશે. ભારતીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રધાને યુદ્ધમાં નુકસાન પામનારા સૈનિકોની તમામ શ્રેણીનાં પરિવારોને અપાતી આર્થિક સહાય બે લાખમાંથી વધારીને આઠ લાખ કરવા માટે મંજૂરી આપી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer