ભારતમાં સીમાપારથી ઘૂસણખોરીનો એકરાર કરતા ઈમરાન ખાન

પીઓકેના લોકોને કહ્યું, પાર ન કરતા એલઓસી : છબી સુધારવા વ્યાયામ
ઈસ્લામાબાદ, તા. 5 : ભારતમાં સીમાપારથી ઘૂસણખોરી સતત નકારતા રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પરોક્ષ રીતે જાતે જ આ બાબતનો સ્વીકાર કર્યો હતો. ઈમરાન ખાને ટ્વિટ સંદેશમાં કહ્યું કે, `આઝાદ' કાશ્મીરમાં કાશ્મીરીઓના ગુસ્સાને હું સમજી શકું છું. તેમને સીમાપાર પોતાના સાથીઓની ચિંતા છે, પરંતુ કોઈ પણ વ્યક્તિનું માનવીય સહાયતા માટે એલઓસી પાર કરવું એ ભારતના વલણને જ મજબૂત કરશે.
પોતાના ટ્વિટમાં ઈમરાને ભલે `માનવીય સહાયતા'નું રૂડું રૂપાળું નામ આપ્યું હોય, ઈતિહાસ સાક્ષી છે કે સીમાપારથી માનવીય સહાયતા નહીં, પરંતુ આતંકવાદી જ ઘૂસણખોરી કરતા હોય છે. સ્પષ્ટ છે કે ઈમરાને માની લીધું હતું કે, પાકિસ્તાન અને પીઓકેમાંથી ભારતમાં ઘૂસણખોરી થઈ રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની સતત બગડતી છબી માટે તે હાલમાં સતર્ક છે.
ઈમરાને બીજા એક ટ્વિટમાં લખ્યું હતું કે, જો તમે સીમા પાર કરશો તો તેનાથી ભારતના પાકિસ્તાની `ઈસ્લામિક આતંકવાદ'ના એજન્ડાને મજબૂતી મળશે. તેમની આ ટિપ્પણીથી સ્પષ્ટ છે કે દુનિયાભરમાં પાકિસ્તાની ઘૂસણખોરીના તથ્યને સ્વીકાર થવાથી ઈમરાન ચિંતિત છે અને પોતાની છબી સુધારવામાં લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત પાંચમી ઓગસ્ટે ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી જે પછીથી પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સહિત તમામ દેશ સમક્ષ માનવાધિકારનો મુદ્દો ઉઠાવ્યો હતો. 
પાકિસ્તાનનો આ પ્રોપોગેન્ડા નિષ્ફળ ગયો હતો અને ફ્રાન્સ, સાઉદી અરબ, રૂસ સહિતના દેશોએ તેને ભારતનો આંતરિક મામલો બતાવ્યો હતો. એટલું જ નહીં, અમેરિકા સહિતના દેશોએ પાકિસ્તાનને સીમાપાર આતંકવાદ પર લગામ લગાવવાની તાકીદ પણ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer