યાસીન મલિક સહિત પાંચ અલગતાવાદીઓ સામે એનઆઈએની પૂરક ચાર્જશીટ

નવી દિલ્હી, તા. 5: આતંકી અને વિભાજનકારી પ્રવૃત્તિઓ આચરીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ યુદ્ધે ચઢવાની સાજીશ ઘડવાના આરોપસર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ જેકેએલએફના વડા યાસીન મલિક અને 4 અન્ય કાશ્મીરી અલગતાવાદી વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં પૂરક આરોપનામું નોંધાવ્યું છે. અન્ય આરોપી છે: દુખ્તરન એ મિલ્લતની ચીફ અસીયા અન્દ્રાબી, જે એન્ડ કે ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટીના સ્થાપક શબીર શાહ, જે એન્ડ કે મુસ્લિમ લીગ ચેરમેન મસરત અલમ અને અવામી ઈત્તેહાદ પાર્ટીના વડા અબ્દુલ રશીદ શેખ.
3 હજાર પાનાંના આરોપનામામાં દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીર ખીણમાં વિક્ષુબ્ધતા સર્જવા આર્થિક કડીઓ મારફત ભંડોળ તબદિલ કરીને પાક હાઈ કમિશને અલગતાવાદીઓને ટેકો આપ્યો હતો. એનઆઈએએ દાવો કર્યો છે કે મલિક અને શબીર શાહના ઈ-મેઈલ અકાઉન્ટમાંથી વાંધાજનક વાતો અને ઈ-મેઈલ્સ મળ્યા છે. એવું જ જાણવા મળ્યું છે કે કાશ્મીરમાં વિક્ષુબ્ધતા અને બંડખોરી સર્જવા યાસીન હવાલા ચેનલો મારફત વિદેશોમાંથી ભંડોળ મેળવતો રહ્યો છે. વાયા  આર્થિક કડીઓ ભંડોળ તબદિલ કરી અલગતાવાદી અને અન્ય નેટવર્કને ટેકો આપવાની અને કાશ્મીર ખીણમાં તનાવ ચાલુ રાખવા દોરવણી આપવામાં પાક હાઈ કમિશનની ભૂમિકા સ્પષ્ટપણે સ્થાપિત થઈ છે.
વહીવટીતંત્ર તરફ અભાવ સર્જવા અને વહીવટી યંત્રણા ખોડંગાતી કરવા હિંસક આંદોલનો, પદ્ધતિસરના બંધ અને મોટા પાયે આર્થિક કારોબાર બંધ કરાવીને વિવિધ વિરોધ એકશન પ્લાન ઘડવા સહયોગ સાધી આ પાંચેયે સાજીશ રચી હતી. એનઆઈએએ એવો દાવો કર્યો છે કે તેઓ પાસેથી મેળવાયેલા મેસેજીસ, ચેટ્સ, વોટ્સેપ લોગ્સ અને વીડિયા, અગાઉ આરોપનામામાં નોંધાયેલાઓ અને આ પ આરોપીઓ વચ્ચે સાંઠગાંઠ રહ્યાનું દર્શાવે છે. વીડિયોમાં તેઓ આમ પ્રજાને ગેરકાયદે કૃત્યો કરવા, આતંકીઓ તરફ સહાનુભૂતિ રાખવાને અને પાકમાંથી સીધો સપોર્ટ મેળવવા સલાહ આપતા જોવા મળે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer