ગેરકાનૂની નિર્માણ અને અતિક્રમણ દિલ્હી-કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ફટકાર

નારાજગી દર્શાવતાં પૂછયું, આ રીતે લોકસેવા થાય ? : `સ્થિતિ ઘણી ખરાબ છે'
નવી દિલ્હી, તા. 5 : સુપ્રીમ કોર્ટે એ વાત પર ભારે નારાજગી દર્શાવી હતી કે દિલ્હી અને કેન્દ્રની સરકાર રાષ્ટ્રીય રાજધાનીના લોકોની ચિંતા કર્યા સિવાય આપસમાં લડી રહી છે. કોર્ટે બંને સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે ` સ્થિતિ ઘણી ખરાબ છે' અને તેને જારી રાખવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને સવાલ પૂછ્યો હતો કે શું આ રીતે લોકોની સેવા થાય છે. કોઈને નાગરિકોની પરેશાનીથી કોઈ મતલબ નથી. રાજધાનીમાં ગેરકાયદે નિર્માણ અને દબાણના પ્રશ્ને સુપ્રીમ કોર્ટે આ તીવ્ર ઉચ્ચારણો કર્યાં હતા.
સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની આલોચના કરતાં કહ્યું કે દિલ્હીમાં ગેરકાયદેસર નિર્માણ પર પગલાં લેવા અંગેની તેના દ્વારા નિયુક્ત નિરીક્ષણ સમિતિને કેન્દ્ર કથિત રીતે ભંગ કરી રહી છે. જસ્ટિસ અરુણ મિશ્રા અને દીપક ગુપ્તાની બેન્ચે કહ્યું હતું કે સમિતિ છેલ્લા 13 વર્ષથી કામ કરી રહી છે અને દબાણ તથા ગેરકાનૂની નિર્માણ સામે પગલાં લઈ રહી છે.
સોલિસીટર જનરલ તુષાર મેહતાએ કેન્દ્રનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો પરંતુ કોર્ટે તેને મહત્ત્વ આપ્યું ન હતું. બેન્ચે કહ્યું કે અમે તમને સાફ સાફ શબ્દોમાં જણાવી રહ્યા છીએ કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે. 
આ સ્થિતિ સારી નથી. આવું બધું થવું જોઈએ નહીં. અમે આ પ્રકારની ચીજોની મંજૂરી આપી શકીએ નહીં. અમે બેહદ નારાજ છીએ. દિલ્હીમાં સિસ્ટમના કામકાજને લઈને અમે નિરાશ છીએ. દિલ્હીમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી અમે દુ:ખ મહેસૂસ કરીએ છીએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer