દેશમાં પામતેલનું ઉત્પાદન પાંચ વર્ષમાં બમણું થશે

ઇન્ડોનેશિયાથી આયાત ઘટશે
 
મુંબઈ, તા. 5 : આગામી પાંચ વર્ષમાં દેશમાં પામતેલનું ઉત્પાદન બમણું થવાની અને ઇન્ડોનેશિયા તથા મલયેશિયા જેવાં દેશોમાંથી પામતેલની આયાત ઘટવાની શક્યતા છે. જોકે, આ બન્ને દેશો જે ભારતીય રિફાઈનરોનું નફાનું ધોરણ જાળવી રાખીને પૉલિસી બનાવે તો ભારતમાં નિકાસની તકો વધી પણ શકે છે.
આમ તો ભારત હાલ પામતેલની આયાતમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે અને મોટા ભાગની આયાત ઇન્ડોનેશિયા અને મલયેશિયાથી કરે છે. હાલ સરકાર તરફથી મળતાં પ્રોત્સાહન કારણે આગામી પાંચ વર્ષમાં દેશનું ઉત્પાદન વધીને છ લાખ ટન થઈ શકે છે. આ ઉત્પાદન વધવાના કારણે ભારતની આયાત ઘટી જશે તેવી પડોશી દેશો મલયેશિયા અને ઇન્ડોનેશિયાને ચિંતા સતાવી રહી છે. હાલમાં ભારત પોતાના કુલ 66 ટકા વપરાશની આયાત કરે છે.
હાલમાં ભારત સરકારે ઇન્ડોનેશિયા સાથે સાકર તથા ચોખાનાં બદલામાં પામતેલ લેવાની સમજૂતી કરતા ફરી ઇન્ડાનેશિયાની ભારતમાં નિકાસ વધવાની તકો સર્જાઈ છે. જોકે, હાલનો નિર્ણય ઘણો મોડો આવ્યો હોવાથી આ વર્ષ ઇન્ડોનેશિયાની પામતેલની ભારતમાં થતી નિકાસમાં 25 ટકાનો ઘટાડો થઈ શકે છે. વિશ્વમાં પામતેલના સૌથી વધારે ઉત્પાદક ઇન્ડોનેશિયામાં આ વખતે 500 લાખ ટન પામતેલનું ઉત્પાદન થવાની ધારણા કોન્ફરન્સમાં ઉપસ્થિત ઇન્ડોનેશિયન પ્રતિનિધિએ વ્યક્ત કરી હતી.
આ કેલેન્ડર વર્ષમાં ભારતમાં ઇન્ડોનેશિયાના પામતેલની આયાત 45થી 50 લાખ ટન થવાની ધારણા છે. જે ગત વર્ષ 67 લાખ ટનને પહોંચી હતી. જાન્યુઆરી, '19થી જુલાઈ, '19 સુધીમાં નિકાસ 25 લાખ ટન પહોંચી હતી જે પાછલા વર્ષની તુલનાએ 20 ટકા જેટલી ઓછી હતી. જોકે, આ સમયગાળામાં ચીને ઇન્ડોનેશિયામાંથી ઊંચા પ્રમાણમાં પામતેલની આયાત કરતા ઇન્ડોનેશિયાના નિકાસ વેપારને ટેકો મળ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer