ઈપીએફઓના અૉડિટમાં ગંભીર ક્ષતિઓ બહાર આવી

નવી દિલ્હી, તા. 5 : ધી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ અૉર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)એ હાથ ધરેલા ઈન્ટરનલ અૉડિટમાં પ્રોવિડન્ટ ફંડ ખાતાના વહીવટમાં અને લેણાં ચૂકવવામાં ગંભીર ખામીઓ જણાઈ છે.
અમુક ફોર્મલ ક્ષેત્રના કામદારોની પ્રોવિડન્ટ ફંડ બચત ઈપીએફઓમાં મુકાઈ હતી, પણ તે નેગેટિવ કે એડવર્સ બેલેન્સ દર્શાવે છે. નેગેટિવ બેલેન્સ રૂા. 1 લાખ કે તેથી વધુ દર્શાવાય છે.
અધિકારીઓ માને છે કે આ કૌભાંડનું પરિણામ છે અથવા એકાઉન્ટિંગ ભૂલ છે. અમુક કેસોમાં કર્મચારીઓ કે ઈપીએફ સબક્રાઈબરને તેમની બચત કરતાં વધારે ચુકવણી થઈ ગઈ છે, જે કલેરિકલ ભૂલ છે.
ઈપીએફઓ અધિકારીઓ કહે છે કે સક્રિય સબક્રાઈબરો 450 લાખ છે, જ્યારે ક્ષતિવાળા કેસોની સંખ્યા નાની છે.
ઈપીએફઓએ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ બચતને બીજા સબક્રાઈબરના બૅન્ક ખાતામાં આકસ્મિક રીતે ટ્રાન્સફર કરી દીધી છે. ઈપીએફઓનાં 135 યુનિટોમાં 2018-19 માટે ઈન્ટરનલ હિસાબો હાથ ધરવામાં આવ્યા હતા, જ્યારે અૉડિટ હજી ચાલી રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer