કૅબલ ટીવી થશે સસ્તું 130 રૂપિયામાં 150 ચૅનલ

મુંબઈ, તા.5 : કૅબલ ટીવીના ગ્રાહકો માટે આનંદના સમાચાર છે. ટૂંક સમયમાં કેબલ ટીવી સસ્તું થવાનું છે અને હવે 150 ચૅનલ માટે માત્ર 130 રૂપિયા ચૂકવવા પડશે.
નવા દર લાગુ પડયા બાદ ટીવી જોવું મોંઘુ થયું હોવાની અનેક ફરિયાદ ટેલિકૉમ રેગ્યુલેટરી અૉથોરિટી અૉફ ઇન્ડિયા (ટ્રાઈ)ને મળી હતી. ત્યાર બાદ દર ઓછાં કરવાના પ્રયાસો શરૂ થયા. એ મુજબ અૉલ ઇન્ડિયા ડિજિટલ કેબલ ફેડરેશને દર ઘટાડી ગ્રાહકોને રાહત પહોંચાડી છે.
ડિજિટલ કૅબલ ફેડરેશને ભાવ ઘટાડવા માટે જરૂરી ફેરફાર કર્યા છે. હવે ગ્રાહકોને નેટવર્ક કેપેસિટી ફી ભરી એસડી (સ્ટાન્ડર્ડ ડેફિનેશન) પ્રકારની 150 ચૅનલ જોવા મળશે. અગાઉ આ દરમાં માત્ર 100 ચૅનલ જોવા મળતી હોવાનું ફેડરેશનના અધ્યક્ષ એસએન શર્માએ જણાવ્યું હતું.
ટ્રાઈએ આ વખતે ડીટીએચ અને કૅબલ નેટવર્ક માટે નવા દરોની ઘોષણા કરી હતી. એટલે કૅબલ ગ્રાહકોના વધેલા બિલને ઘટાડવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. ટ્રાઈએ કૅબલ અને ડીટીએચ અંગેના નવા ધોરણો લાગુ કર્યા બાદ ગ્રાહકોને ચૅનલોની પસંદગી કરવાનો અધિકાર અપાયો. 
પ્રત્યેક 25 એસડી ચૅનલ બાદ 20 રૂપિયા નેટવર્ક કેપેસિટી ફીની આકારણી કરવાની 
સુવિધા સર્વિસ પ્રોવાઇડર અને પ્રસારકને આપવામાં આવી છે. એક એચડી ચૅનલની તુલના બે એસડી ચૅનલ સાથે કરવામાં આવે છે. એટલે એચડી ચૅનલ માટે વધુ નેટવર્ક કેપેસિટી ફી વસૂલવાની છૂટ આપવાની સુવિધા અપાઈ છે.
સોથી વધુ ચૅનલ જોવા માગનારા ગ્રાહકોએ પ્રત્યેક 25 ચૅનલ માટે વધારાના 20 રૂપિયા આપવા પડતા હતા. એટલે 150 ચૅનલ જોવા માટે એણે નેટવર્ક કેપેસિટી ફી તરીકે જીએસટી સહિત 170 રૂપિયા ચૂકવવા 
પડતા હતા. નવા નિયમો માત્ર કૅબલ કનેક્શન ધરાવનાર ગ્રાહકોને લાગુ થશે. જ્યારે ડીટીએચ ગ્રાહકોએ હજુ થોડી રાહ જોવી પડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer