ગુજરાતમાં દિવાળી સુધી હેલ્મેટ અને પીયુસીનું ટેન્શન દૂર

મુદત 31 અૉક્ટોબર સુધી લંબાવવામાં આવી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 5 : ગુજરાતમાં વાહનચાલકો હવે દિવાળીનો તહેવાર હેલ્મેટની ઝંઝટ વિના મનાવી શકશે. રાજ્યસરકાર દ્વારા હેલ્મેટ, પીયુસી અને એચએસઆરપીના કાયદાના અમલ માટેની મુદત વધારવામાં આવી છે અને તા15 અૉક્ટોબરના બદલે હવે તા.31 અૉક્ટોબર સુધી આ મુદત લંબાવવામાં આવી છે. 
આ અંગે જાણકારી આપતા વાહનવ્યવહાર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યું હતું કે, રાજ્યમાં નવો મોટર વ્હીકલ ઍક્ટ અલમાં આવ્યા બાદ ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. જોકે, તહેવારો નજીક હોવાના કારણે પીયુસી અને હેલ્મેટની સમયમર્યાદા વધારવાનો સરકારે નિર્ણય લીધો છે. તેમણે એમ પણ કહ્યું કે, કોઇને પણ પીયુસી કઢાવવામાં મુશ્કેલી ન પડે તે માટે પીયુસી સેન્ટર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 900થી વધુ પીયુસી સેન્ટર ખોલવાનો પણ સરકારે નિર્ણય લીધો છે. આ સાથે પીયુસી સેન્ટર ખોલવા માટે નિયમો પણ થોડા હળવા કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા હવે મશીનરી વિકસાવ્યા પહેલા પણ લાઇસન્સ આપી દેવામાં આવશે, સાથે જ ભાડાંની જગ્યાએ પણ જો ભાડાંકરાર હોય તો પીયુસી સેન્ટર ખોલી આપવાની પરવાનગી આપવાનો સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત ભાડાં કરારની 5 વર્ષનાં કરારની જોગવાઈ પણ દૂર કરાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer