રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને નિકાસને રૂ.70 હજાર કરોડનો બુસ્ટર ડૉઝ

રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને નિકાસને રૂ.70 હજાર કરોડનો બુસ્ટર ડૉઝ
ભારતમાં દર વર્ષે દુબઈ જેવા મેગા શૉપિંગ ફેસ્ટિવલ્સ : ટેક્સ્ટાઈલ, ટૂરિઝમ, જેમ્સ-જ્વેલરીના પણ મેગા ફેસ્ટિવલ યોજાશે
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : અર્થતંત્રમાં પેસી રહેલી મંદીને ખાળવા માટે કેન્દ્ર સરકારે મહિનામાં બીજી વખત પ્રોત્સાહક જાહેરાતો શનિવારે કરી હતી. હાઉસીંગ અને નિકાસના કારોબારને વેગ આપવા માટે મહત્વના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી. 
નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે અહીં પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું કે ડૂબવા પાત્ર લોન નહીં ધરાવતા અને નાદારીની પ્રક્રિયાનો એનસીએલટીમાં સામનો નહીં કરતાં વર્તમાન હાઉસિંગ પ્રોજેક્ટસ માટે ફન્ડિંગ પૂરું પાડવા સરકારી અને ખાનગી મળી રૂા. 20 હજાર કરોડના ભંડોળની અને નિકાસને પ્રોત્સાહન આપવા રૂા. 50 હજાર કરોડની રાહત આપવાની પણ જાહેરાત કરી હતી. આમ તેમણે કુલ રૂા. 70 હજાર કરોડની રાહતો જાહેર કરી હતી.
હાઉસિંગ ક્ષેત્રની મંદીને ધ્યાને લઈ નાણાપ્રધાને કહ્યું કે સ્પેશિયલ વિન્ડો માટે કેન્દ્ર સરકાર રૂા. 10 હજાર કરોડનું સ્ટ્રેસ ફંડ ફાળવશે અને લગભગ તેટલી જ રકમ બાહ્ય રોકાણકારો પાસેથી આપવાની અપેક્ષા છે. આ સ્પેશિયલ વિન્ડો એફોર્ડેબલ હાઉસિંગ અને મિડલ ઈન્કમ હાઉસિંગ પ્રોજેક્ટને પૂરા કરવા માટે મદદરૂપ થઈ શકશે. આ ભંડોળનું વ્યવસ્થાપન વ્યાવસાયિકો દ્વારા થશે, એમ સીતારામને ઊમેર્યું હતું. જોકે ફંડનો ઉપયોગ એવી યોજનાઓને જ મળશે કે જે એનપીએ નથી કે એના કેસ એનસીએલટી હેઠળ ન ચાલતા હોય.60 ટકા કામકાજ પૂરાં થયા હોય તેવા પ્રોજેક્ટોને જ લાભ મળશે. આવા આશરે સાડા ત્રણ લાખ ઘરો છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં આશરે 5.6 લાખ હાઉસિંગ યુનિટ લોન્ચ થયાના પાંચ વર્ષ કે વધારે સમય પછી પણ તૈયાર નથી થયા એની કુલ કિંમત રૂ. 4.5 લાખ કરોડ હોવાનું માનવામાં આવે છે. એની બજારકિંમત અત્યારે રૂ. 1.31 લાખ કરોડ થઇ ગઇ હોવાનો અંદાજ છે.આમાંના કેટલાક પ્રોજેક્ટો હવે પૂરાં થઇ શકશે.
ઘર ખરીદવા માટે એડવાન્સ રકમ માટેની લોન ઉપરના વ્યાજદર નીચા રહેશે અને 10 વર્ષની ગવર્નમેન્ટ સિક્યુરિટીની આવક સાથે સાંકળી લેવામાં આવશે, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું. અટકેલા પ્રોજેક્ટો હવે ફરીથી જોમવંતા થવાની અપેક્ષા છે. 
સરકારી કર્મચારીઓની સૌથી વધુ માગ નવાં ઘરો માટે હોય છે અને આ રાહત પેકેજથી વધુ સરકારી કર્મચારીઓ નવાં ઘરો ખરીદવા માટે પ્રોત્સાહિત થશે, એમ નાણાપ્રધાને ઉમેર્યું હતું.
હાઉસિંગ ડેવલપર્સ વિદેશી ભંડોળ મેળવી શકે તે માટે સહાયભૂત થવા સરકાર એકસ્ટર્નલ કમર્શિયલ બોરોઈ (ઈસીબી)ના માર્ગદર્શિકાને હળવી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રધાન મંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળના પ્રોજેક્ટસને ઈસીબીની હળવી શરતોનો લાભ મળશે, તે બાબતે આરબીઆઈ સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર ખરીદવા ઇચ્છતા લોકોને લોન મેળવવામાં સુવિધા મળે તે માટે ઇસીબીની માર્ગરેખાઓ હળવી બનાવાઇ છે. સસ્તાં મકાનો માટે માર્ગરેખા થોડી અઘરી હતી. સરકાર દ્વારા હાઉસ બિલ્ડીંગ એડવાન્સ ઉપર વ્યાજદર હળવો કરશે અને 10 વર્ષના જી સેક યીલ્ડ સાથે જોડવામાં આવશે. સરકારી કર્મચારીઓ આવાસ યોજનાના મકાન ખરીદે તે માટે પ્રોત્સાહન અપાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer