ભુજબળ પણ શિવસેનામાં જોડાય એવી સંભાવના

ભુજબળ પણ શિવસેનામાં જોડાય એવી સંભાવના
શરદ પવારે બંધબારણે તેમને સમજાવવાનો પ્રયાસ ર્ક્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા છગન ભુજબળ ફરી શિવસેનામાં જોડાય એવી સંભાવના છે. છગન ભુજબળ અને તેમના ભત્રીજા સમીર ભુજબળે આજે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર સાથે પક્ષની કચેરીમાં બંધબારણે ચર્ચા કરી હતી. શરદ પવારે છગન ભુજબળને સમજાવવા પ્રયત્નો ર્ક્યા હોવાનું જાણવા મળ્યું છે.
છગન ભુજબળ શિવસેનામાં સામેલ થવાના છે એવી ચર્ચા શરૂ થઈ પછી નાશિકમાં શિવસેનાના હોદ્દેદારોએ તેનો વિરોધ ર્ક્યો હતો. જ્યારે બીજી તરફ છગન ભુજબળના યેવલા મતવિસ્તારમાંના શિવસૈનિકોએ તેઓ શિવસેનામાં જોડાય એવી માગણી કરી હતી. ભુજબળ વિંચૂર વિસ્તારમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન માટે ગયા ત્યારે યેવલા મતાવિસ્તારના અસંખ્ય શિવસૈનિકોએ તેઓ પક્ષમાં જોડાય એ માટે મળીને વિનંતી કરી હતી.
પવાર રાજ્યની મુલાકાતે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીપૂર્વે અનેક નેતાઓના પક્ષત્યાગને કારણે મુશ્કેલ સ્થિતિમાં મૂકાયેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર આવતી 17મી સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રનો પ્રવાસ ખેડશે. અનેક નેતાઓના પક્ષત્યાગને પગલે કાર્યકરો અને સમર્થકો સુધી પહોંચવા પવાર પ્રથમ તબક્કાના પ્રવાસમાં સોલાપુર, ઉસ્માનાબાદ, બીડ, લાતુર, હિંગોલી, પરભણી, જાલના, ઔરંગાબાદ, અહમદનગર અને સતારા જિલ્લાઓની મુલાકાત લેશે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ દ્વારા ટ્વીટર ઉપર આ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રવાદીના નેતાએ જણાવ્યું હતું કે વર્તમાન સંજોગોમાં શરદ પવારનો પ્રવાસ ખૂબ જ અગત્યનો છે, તેઓ પાયાના સ્તરના કાર્યકરો સાથે વાતચીત કરશે. કેટલાક નેતાઓએ પક્ષત્યાગ કર્યો હોવા છતાં આ કાર્યકરોએ હજી પક્ષ સાથે નિષ્ઠા જાળવી રાખી છે. શરદ પવાર તેઓ સાથે વાતચીત કરીને તેઓનું મનોબળ ટકાવી રાખવાનો પ્રયત્ન કરશે, એમ નેતાએ ઉમેર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાઓ ગણેશ નાઈક, સચિન આહીર, જયદત્ત ક્ષીરસાગર, શિવેન્દ્રસિંહ રાજે ભોસલે, ઉદ્યન રાજે ભોસલે, સંદીપ નાઇક અને વૈભવ પિચડએ પક્ષત્યાગ કરી સત્તાધારી પક્ષોમાં સામેલ થયા છે. તેથી શરદ પવાર હવે પક્ષને ફરી સુદૃઢ બનાવવા મેદાને પડયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer