બાંગ્લાદેશને હરાવી ભારત સાતમી વખત અંડર-19 એશિયા કપ વિજેતા

બાંગ્લાદેશને હરાવી ભારત સાતમી વખત અંડર-19 એશિયા કપ વિજેતા
કરણ, સુકાની ધ્રુવ અને બૉલર અર્થવના સહિયારા દેખાવથી પાંચ રને મળી જીત
કોલંબો, તા. 14 : કરણ લાલ (37), સુકાની ધ્રુવ જોરેલ (33) અને બોલર અર્થવ અંકોલેકર (પાંચ વિકેટ)ના સહિયારાં પ્રદર્શનનાં બળે વર્તમાન વિજેતા ભારતે બાંગલાદેશને પાંચ રને હરાવી સાતમી વાર અંડર-19 એશિયા કપ જીતી લીધો છે.
કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ પર ખેલાયેલા નાનકડા જુમલાવાળા રોમાંચક ફાઇનલ મુકાબલામાં પહેલા દાવમાં ઉતરેલી  ભારતીય ટીમ 32.4 ઓવરમાં માત્ર 106 રનમાં સમેટાઇ ગઇ હતી.
આસાન લક્ષ્યાંકનો પીછો કરવા મેદાન પર ઉતરેલી બાંગલાદેશની ટીમ પણ 33 ઓવરમાં માત્ર 101 રન કરીને પેવેલિયનમાં બેસી ગઇ હતી. એક તબક્કે 78 રનમાં આઠ વિકેટ ખોઇ દેનાર બાંગલાદેશને તનજીમ હસન શાકિબ (12) અને રકિબુલ હસન (અણનમ 11)એ જીતની નજીક પહોંચાડી દીધી હતી. ત્યારે જ અર્થવે તનજીમ અને પછી શાહીન આલમની વિકેટ ખેરવીને જીતની આશા પર પાણી ફેરવી નાખ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer