પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં સર્વત્ર વરસાદ

પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં સર્વત્ર વરસાદ
કડાણા ડેમમાંથી પાંચ લાખ અને પાનમ ડેમમાંથી 1.50 લાખ કયુસેક પાણી છોડાયું, 116 ગામોને  ઍલર્ટ કરાયાં
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 14 : કડાણા તાલુકામાં 24 કલાકથી ધોધમાર વરસાદને પગલે કડાણા ડેમમાંથી પાંચ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે અને પાણી વધારીને 7 લાખ કયુસેક સુધી છોડવામાં આવશે. જેના કારણે મહિસાગર નદી કાંઠાનાં 106 ગામોને તંત્ર દ્વારા ઍલર્ટ કરવામાં આવ્યાં છે. વડોદરા અને ખેડા જિલ્લાને જોડતો ગળતેશ્વર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉપરાંત પાનમ ડેમમાંથી 1.50 લાખ કયુસેક પાણી છોડાતાં નદી કાંઠાનાં 10 ગામોને ઍલર્ટ કરાયાં છે. 
મહિસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલ વરસાદના પગલે કડાણા તાલુકામાં આ વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં તાલુકામાં 85 મિ.મી. વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કડાણા ડેમના ઉપરવાસમાં  રાજસ્થાન તેમ જ કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદના કારણે બજાજ સાગરમાંથી પણ 4.18 લાખ કયુસેક ઉપરાંત પાણીની આવક કડાણા ડેમમાં આવી રહી છે. જેને પગલે મહિસાગર જિલ્લા તંત્ર દ્વારા સાવચેતીના પગલે નદી કિનારે આવેલાં ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં છે. જેમાં લુણાવાડાનાં 63, કડાણાનાં 27 અને ખાનપુરનાં 16 મળીને 106 ગામોનો સમાવેશ થાય છે.
કડાણા ડેમમાં સતત વધતી સપાટીને ધ્યાનમાં રાખીને ડેમના 16 ગેટને 15 ફૂટ સુધી ખોલીને પાંચ લાખ કયુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. જેના કારણે ડેમની હાલની સપાટી 415 ફૂટ છે ત્યારે ભયજનક સપાટી 419 ફૂટ છે. તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ મોડી રાત સુધી આવકમાં વધારો થવાની શકયતા છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સારી એવી પાણીની આવક નોંધાઈ હતી. જેને લઈને પાનમ સિંચાઈ વિભાગ દ્વારા જળાશયનું રૂલ લેવલ જાણવા માટે ડેમના ગેટ ખોલીને 5.90 લાખ કયુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નદી કિનારે આવેલાં 10થી વધુ ગામોને તંત્ર દ્વારા ઍલર્ટ કરાયાં છે. પાનમ ડેમમાં દિવસ દરમિયાન 4,63,743 કયુસેકની આવક સામે 1,50,000 કયુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું. જ્યારે જળાશયની સપાટી 127.20 મીટરે પહોંચી હતી. ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer