વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ ગુજરાતમાં ઊજવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ ગુજરાતમાં ઊજવશે
17 સપ્ટેમ્બરે માતા હીરાબાના આશીર્વાદ લઇ સરદાર સરોવર ડેમ ખાતે નર્મદાનાં નીરનાં વધામણાં કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14:વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર માદરે વતન ગુજરાતમાં ઉજવશે.  વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લઇ ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલી દેનાર નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમ ખાતે જશે અને ત્યાં નર્મદા મૈયાના નીરના વધામણા કરશે. જો કે વડાપ્રધાન  મોદીના કાર્યક્રમને કોઇ સત્તાવાર પુષ્ટિ મળી નથી. ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપ સંગઠન તરફથી વડાપ્રધાન મોદીને નર્મદાના નીરના વધામણા અને મહાઆરતીના કાર્યક્રમ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વડાપ્રધાન મોદી આમંત્રણનો સ્વીકાર કરી માદરે વતન ગુજરાતમાં પોતાનો જન્મદિવસ ઉજવવાના હોઇ  ભાજપ તરફથી પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની નિગરાની હેઠળ આ સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મહત્વનું છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 60 સેમી. દૂર છે. હાલ ડેમની જળસપાટી 138.08 મીટર ઐતિહાસિક સ્તરે પહોંચી છે. ડેમ પાણી છલોછલ ભરાયો છે ત્યારે આજે ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થાય તેવી વકી છે. હાલ ડેમના 23 દરવાજા 4.16 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 7 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ ંછે જ્યારે ડેમમાં ઉપરવાસમાંથી 7 લાખ 70 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. છેલ્લા છ દિવસથી કેવડિયાનો ગોરા બ્રીજ પાણીમાં ગરકાવ થયો છે તો નર્મદા કાંઠા વિસ્તારના 144 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ પણ કરાયા છે. સરદાર સરોવર ડેમ પર દરવાજા મુકાયા બાદ ઇતિહાસમાં પહેલીવાર ડેમ ઓવરફ્લો થશે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 સપ્ટેમ્બરે જન્મદિવસના અવસરે સરદારસરોવર નર્મદા ડેમની મુલાકાત લે તેવી શક્યતા છે. નર્મદા ડેમ છલોછલ ભરાઇને છલકાતા વડાપ્રધાન મોદી માટે ગુજરાતની જન્મદિવસની પ્રેમાળ ભેટ હશે. 
વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે મા નર્મદાના પૂજનનો વિશેષ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. કેવડિયા કોલોની સરદાર સરોવર ડેમની સાથે સાથે ગુજરાતના દરેક જિલ્લા મથકે `નર્મદે સર્વેદે' ના નાદ સાથે એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે ગુજરાતના શહેરો અને જિલ્લા મથકોના 1000થી વધુ સ્થળોએ એક સાથે મા નર્મદાની મહાઆરતી કરી રેવાને વધાવવામાં આવશે. મહાઆરતી ઉપરાંત વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ ંછે. નર્મદા બંધ બંધાયા પછી પહેલીવાર તે તેની 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચશે ત્યારે નર્મદાના નીરને વધાવવા અને આ ઐતિહાસિક ક્ષણના ભાગીદાર  થવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યની જનતાને અનુરોધ કર્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer