મંદિર ટ્રસ્ટને નોટિસ મોકલવા MIDCને હાઈ કોર્ટનો આદેશ

મંદિર ટ્રસ્ટને નોટિસ મોકલવા MIDCને હાઈ કોર્ટનો આદેશ
સરકારી જમીન પર અતિક્રમણ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : સરકારી જમીનના ગેરકાયદે વપરાશ માટે અતિક્રમણકારી પાસેથી નુકસાનીના વળતરની વસૂલાત કરવાના કદાચ પ્રથમ એવા પ્રયાસમાં બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે નવી મુંબઈના ભાવખાલેશ્વર મંદિર ટ્રસ્ટ પાસેથી જમીનના અતિક્રમણ માટે નુકસાનીનું વળતર મેળવવા તેને નોટિસ મોકલવાનો મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કૉર્પોરેશન (એમઆઈડીસી)ને આદેશ આપ્યો હતો.
આ મંદિર ટ્રસ્ટે 2007માં એમઆઈડીસીની 1.32 લાખ ચોરસ મીટર જેટલી જમીન પર અતિક્રમણ કર્યું હતું અને ત્યાં મંદિર સંકુલ બાંધી દીધું હતું. અગાઉના હાઈ કોર્ટના આદેશ અનુસાર નવેમ્બર 2018માં ત્રણેય મંદિરોને તોડી પાડવામાં આવ્યાં હતાં. એક્ટિવીસ્ટ સંદીપ ઠાકુરે કરેલી જાહેર હિતની અરજી પર આ આદેશ આપવામાં આવ્યો હતો.
મંદિરોને તોડી પાડવામાં આવ્યા બાદ ઠાકુરે કોર્ટમાં એક વધુ અરજી કરી હતી જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે જમીનના અતિક્રમણની એમઆઈડીસીના ચીફ એક્ઝિક્યુટીવ અધિકારી સહિત અન્ય અધિકારીઓને જાણ હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
ઠાકુરે કરેલી અરજીમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક ભૂતપૂર્વ પ્રધાનના ભત્રીજા દ્વારા ટીટીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જાહેર મિલકત પડાવી લેવામાં આવી હતી. આ પ્રધાનનો ભત્રીજો ભાવખાલેશ્વર મંદિર ટ્રસ્ટનો ટ્રસ્ટી છે.
ચીફ જસ્ટિસ પ્રદીપ નન્દ્રાજોગ અને જસ્ટિસ ભારતી ડાંગરેની ડિવિઝન બેન્ચે ઠાકુરની એવી દલીલ સ્વીકારી હતી જેમાં એમ જણાવવામાં આવ્યું હતું કે એમઆઈડીસીના અધિકારીઓની બેદરકારી માટેની જવાબદારી નક્કી કરવી જોઈએ. બેન્ચે એવું પણ નિરીક્ષણ કર્યું હતું કે 11 વર્ષ સુધી સરકારી જમીનનો ગેરઉપયોગ કરનારા અતિક્રમણકારી પાસેથી નુકસાનીનું વળતર પણ મેળવવું જોઈએ. એટલે કોર્ટે મંદિર ટ્રસ્ટને કારણદર્શી નોટિસ મોકલવાનો એમઆઈડીસીને આદેશ આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer