દેશના તમામ નાગરિકો હિન્દી સાથે જોડાય : અમિત શાહ

હિન્દી દિવસ સમારોહમાં ગૃહપ્રધાનનું સંબોધન
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 14 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે અત્રે વિજ્ઞાન ભવન ખાતે હિન્દી દિવસ સમારોહમાં બોલતાં તમામ નાગરિકોને હિન્દી સાથે જોડાવાની અને વિશ્વમાં આ ભાષાનો વ્યાપક ઉપયોગ થાય તે માટે કામ કરવાની અપીલ કરી હતી. બંધારણસભામાં અનેકવિધતા હોવા છતાં હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવા અંગે સર્વાનુમતિ હતી એની તેમણે નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય ભારતની સાંસ્કૃતિક એકતા માટે મહત્ત્વનું પાસું હતો. ભારતની ભાષાકીય સમૃદ્ધિની નોંધ લેતાં તેમણે જણાવ્યું હતું કે આપણા દેશમાં 122 ભાષાઓ અને 19,500 બોલીઓ બોલાય છે. તેમણે જણાવ્યું હતું કે એકતામાં વિવિધતા એ ભારતની ઓળખ છે ત્યારે સાંસ્કૃતિક અખંડતા માટે એક સર્વસામાન્ય ભાષા હોવી જરૂરી છે. અખંડ ભારતનું સર્જન કરનારા સરદાર પટેલ અને ગાંધીજીએ પણ હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારવાની લોકોને અપીલ કરી હતી.
હિન્દી માટેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે વડા પ્રધાન જ્યારે પણ વિદેશમાં સંબોધન કરે છે ત્યારે હિન્દીમાં બોલે છે. વડા પ્રધાને યુનોની આમસભામાં તેમ જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં પણ હિન્દીમા સંબોધન કર્યું હતું. શાહે જણાવ્યું હતું કે જે દેશ તેની ભાષાને ભૂલી જાય છે તે પોતાનું સાંસ્કૃતિક અસ્તિત્વ ખોઈ બેસે છે. ભાષા આપણને આપણા દેશના મૂળિયાં સાથે જોડે છે. શાહે આત્મનિરીક્ષણ કરવાની હાકલ કરતાં જણાવ્યું હતું કે જો આપણે આપણી ભાષા ગુમાવી દઈશું તો આપણે આપણી સંસ્કૃતિથી અલગ થઈ જઈશું. ભારતીય સંસ્કૃતિનું ઊંડાણ અજોડ હોવાથી આપણી ભાષાઓનું ઊંડાણ પણ બેજોડ છે. શાહે જણાવ્યું હતું કે આપણે હિન્દી પ્રત્યેની લઘુતાગ્રંથિથી મુક્ત થવું જોઈએ. આપણને આપણી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. શાહે જણાવ્યું હતું કે આપણી ભાષાઓની વિવિધતા આપણી તાકાત છે ત્યારે રાષ્ટ્રીય ભાષાની જરૂર છે જેથી વિદેશી ભાષાઓ અને વિદેશી સંસ્કૃતિઓ આપણી ઉપર હાવી ન થઈ જાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer