નાણાપ્રધાનનાં પગલાં ઉપરછલ્લાં, અર્થતંત્રને ઉગારવા સરકાર દિશાહીન

કૉંગ્રેસના પ્રવકતા આનંદ શર્માના આકરા પ્રહાર
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 14 : અર્થતંત્રને બેઠું કરવા નાણાપ્રધાન નિર્મલા સીતારામને કેટલાંક પગલાંઓ જાહેર ર્ક્યાં બાદ કૉંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કરતાં આ પગલાંઓને `ઉપરછલ્લાં પગલાં' ગણાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે, ખાડે ગયેલા અર્થતંત્ર પર સરકાર પાસે કોઈ ઉકેલ નથી.
અત્રે પત્રકાર પરિષદને સંબોધતાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર ભાંગી પડયું છે, આપણે ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ સરકાર એનાં જૂઠાં વચનો અને તેના બડબોલા પ્રધાનો સાથે આ સ્થિતિને અટકાવવા કોઈ પગલાં ભરી રહી નથી.
નાણાપ્રધાન પર પ્રહાર કરતાં શર્માએ જણાવ્યું હતું કે, સીતારામનજીએ હમણાં જ પત્રકાર પરિષદને સંબોધી હતી, પરંતુ ભારતની વર્તમાન આર્થિક સ્થિતિને જોતાં તે નિરાશાજનક રહી હતી. સરકાર અર્થતંત્રને પુનર્જીવિત કરવા, રોકાણ વધારવા, નોકરીઓનુ નિર્માણ કરવા અને નિકાસ તરફ ધ્યાન આપવા કોઈ પગલાં ભરશે એવી આશા રખાતી હતી, પરંતુ નાણાપ્રધાને એવાં કોઈ પગલાંઓની જાહેરાત કરી નથી જેથી વર્તમાન સ્થિતિ તરફ ધ્યાન આપી શકાય.
ફુગાવો અંકુશ હેઠળ છે એવું નિવેદન કરવા બદલ સીતારામન પર પ્રહાર કરતાં શર્માએ જણાવ્યું હતું કે, અર્થતંત્ર ખાડે ગયું છે ત્યારે નાણાપ્રધાન આવાં નિવેદનો કરે છે જે ખરેખર નવાઈ પમાડે છે. સરકારની દિશાવિહીન નીતિઓ આર્થિક મંદી માટે જવાબદાર છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer