યુકેએ વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો હળવા ર્ક્યા

ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો કર્યા બાદ કામ કરવાની અનુમતિ આપવા માટે ઈમિગ્રેશનના નિયમો હળવા કરતાં યુકેએ બે વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા રૂટની બુધવારે જાહેરાત કરી હતી. આ પગલાંથી ભારતીય વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે કારણે કે બ્રિટનમાં કુલ ટિયર ટુ (વર્ક વિઝા) વિઝાના 32 ટકા વિઝા ભારતીયો દ્વારા લેવામાં આવે છે.
ભારતના બ્રિટિશ ડૅપ્યુટી હાઈ કમિશનર જ્હોન થોમસને જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ઘણા સકારાત્મક સમાચાર છે. નવો વિઝા રૂટ એમને કામ શોધવા માટે વધુ સમય આપશે અને કામના પ્રકાર કે સ્તર પર કોઈ પ્રતિબંધ નથી. આ નવા નિયમ આવતા વર્ષથી અમલી થશે.
યુકેમાં વિવિધ ક્ષેત્રમાં વ્યવસાયીઓની અછત નિર્માણ થતાં ઈમિગ્રેશન સંબંધિત પ્રતિબંધો હળવા કરાયા છે. બ્રિટિશ હાઈ કમિશનના (બીએચસી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે યુકેમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરીંગ, ગણિત, આર્કિટેક્ચર, વેબ ડિઝાઈન નિષ્ણાતોની ઘણી જરૂર છે. 
2012માં બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન થેરેસા મેએ ઈમિગ્રેશનના નવા નિયમો જાહેર કરી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પોસ્ટ એજ્યુકેશન સ્ટેમાં ઘટાડો ર્ક્યો હતો જેથી કામ શોધવા માટે તેમની પાસે ફકત ચારથી છ મહિનાનો સમય રહેતો હતો. આ નિયમને લીધે યુકેની યુનિવર્સિટીમાં ભણવા ઈચ્છુક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં.
નવા ઈમિગ્રેશન નિયમોને કારણે યુકેને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારા થવાની આશા છે. થોમસને જણાવ્યું હતું કે બ્રિટિશ સરકારે ટીયર ટુ વિઝા માટે પીએચડીની ડિગ્રી જેવા પ્રતિબંધો હટાવી દીધા છે. યુકેમાં કામ કરવા માટે ટીયર ટુ વિઝા મુખ્ય માર્ગ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer