ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 : ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મુખ્યત્વે અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી સતત ભારે વરસાદના કારણે ખેડૂતોના મોલને નુકસાન થાય તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં છે. 
મહત્ત્વનું છે કે, આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજીની તોફાની સવારી યથાવત્ જોવા મળી છે. આજે સવારે 6 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે સાંજ સુધીમાં વલસાડ જિલ્લાના કપરાડામાં પાંચ ઇંચ વરસાદ વરસાવ્યો હતો જ્યારે ઉમરગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહિસાગરના ખાનપુર, સંતરામપુર, દાહોદના ફત્તેપુરા, સાંજેલી, જાલોદ, સીંગવડ, ડાંગના આહવા, વઘઈ, વલસાડના ધરમપુર સહિત 
60 તાલુકામાં સતત વરસાદ વરસ્યો છે. 
હવામાન વિભાગના જયંત સરકારના જણાવ્યા અનુસાર, સંભવિત તા. 26 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. પૂર્વ રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે જ્યારે પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાત પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક થઇ રહી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ 3 ટકા વધુ વરસાદ થયો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer