ગુજરાત વિધાનસભાની સાત બેઠક માટે પેટાચૂંટણીની સપ્તાહમાં થશે જાહેરાત

ભાજપમાં જોડાયેલા અલ્પેશને પરાસ્ત કરવા ગનીબેનને જવાબદારી સોંપાઈ હોવાની ચર્ચા
હૃષિકેશ વ્યાસ તરફથી
અમદાવાદ,  તા. 14 : ગુજરાત વિધાનસભાની સાત બેઠકો માટે આગામી એક સપ્તાહમાં પેટાચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર  વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે  ત્યારે ભાજપ અને કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કૉંગ્રેસમાં પેટાચૂંટણીને લઇને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. 
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો પૈકી ભાજપનું સંખ્યાબળ 100 છે જ્યારે કૉંગ્રેસ, અપક્ષ અને એનસીપીનું સંખ્યાબળ 75 જેટલું છે. સાત બેઠકો હાલ ખાલી છે. આ બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપ અને કૉંગ્રેસે વ્યૂહરચના તૈયાર કરી છે. પેટાચૂંટણીને લઇને કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તાજેતરમાં અમદાવાદ આવ્યાં હતાં અને કૉંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી તેમ જ ચૂંટણીને લઇને ચર્ચા કરી હતી. બીજી તરફ તમામ બેઠકો ઉપર વિજય હાંસલ કરવા માટે નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. ખાસ કરીને પેટાચૂંટણીમાં રાધનપુર અને બાયડ બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસનો ખરાખરીનો જંગ જામશે. અલ્પેશ ઠાકોર એને તેમના સાથીદાર ધવલસિંહ ઝાલા કૉંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાતા બન્ને બેઠકો ખાલી પડી હતી.
કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર રાધનપુરથી અને ધવલસિંહ ઝાલા બાયડથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. જેથી અલ્પેશ ઠાકોરને પરાસ્ત કરવા માટે અલ્પેશ ઠાકોરના વિશ્વાસુ મનાતા કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી હોવાની ચર્ચા છે. જ્યારે ભાજપે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને રાધનપુર અને બાયડ બેઠક જીતવાની જવાબદારી સોંપી છે. અહીં નોંધવું ઘટે કે, ગત ચૂંટણીમાં આ બન્ને બેઠક કૉંગ્રેસ પાસે હતી. રાધનપુર અને બાયડ બન્ને એવી બેઠક છે કે જ્યો કૉંગ્રેસના મતદારો વધારે છે જેથી આ બન્ને બેઠક જીતવા માટે કૉંગ્રેસ પોતાનું સંપૂર્ણ જોર લગાવી દેશે. જોરે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
દરમિયાન ભાજપે રાજ્યની 7વિધાનસભામાં યોજાનાર પેટાચૂંટણી જીતવા માટે કમર કસી છે. ભાજપ દ્વારા તમામ બેઠક પર એક સરકાર અને એક સંગઠનમાંથી નેતાની પસંદગી કરી જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પ્રદેશ આગેવાનોની સાથે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપી છે.
મહત્ત્વનું છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપના 3 ધારાસભ્યો જીત્યા હોવાથી અમરાઇવાડી, ખેરાલુ, થરાદ બેઠકો ખાલી પડી હતી. જ્યારે લુણાવાડાના અપક્ષ રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા 2019માં પંચમહાલની ટિકિટ આપી હતી જેમાં તેમનો વિજય થયો હતો આથી તેમણે લુણાવાડા બેઠક પરથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. આ ઉપરાંત મોરવા હડફ પર 2017માં ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટના અનુસુચિત જનજાતિ સર્ટિફિકેટ અયોગ્ય ઠરતા ચૂંટણી પંચે એમની ઉમેદવારી રદ કરી હતી જેથી આ બેઠક ખાલી પડી હતી. 
લોકસભાની ચૂંટણી બાદ કૉંગ્રેસમાંથી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer